ગુજરાત
News of Thursday, 3rd December 2020

સુરતના ઉમરપાડા તાલુકામાં 37.42 કરોડના ખર્ચે બનશે સૈનિક શાળા:શનિવારે મુખ્યમંત્રી રૂપાણી કરશે ભૂમિપૂજન

જામનગરની બાલાચડી પછી ઉમરપાડા તાલુકામાં શરૂ થશે સૈનિક શાળા

અમદાવાદ : રાજ્યમાં જામનગરની બાલાચડી સૈનિક સ્કુલ બાદ હવે બીજી સૈનિક શાળા ઉમરપાડા તાલુકામાં સાકાર થવા જઈ રહી છે. આદિજાતિ બહુલ વસ્તી ધરાવતાં ઉમરપાડા, માંગરોળ, માંડવી, મહુવા સહિત દક્ષિણ ગુજરાતના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તેમજ બાળપણથી શૌર્ય, શિસ્ત અને દેશદાઝના પાઠ શીખીને સૈન્ય કારકિર્દી ઘડી માતૃભૂમિની સેવા કરી શકે તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે આશરે 37.42 કરોડ રૂપિયાના ખર્ચે સૈનિક શાળા નિર્માણ પામશે. જેનુ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના હસ્તે 5મી ડિસેમ્બરે સવારે 11 કલાકે ભૂમિપૂજન થશે.

  20 એકરમાં સાકાર થનારી સૈનિક શાળામાં અદ્યતન સ્કુલ બિલ્ડીંગ, સ્ટુડન્ટ હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ, ડાઈનિંગ હોલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, શૈક્ષણિક સંસાધનો, રમતગમતનું મેદાન સહિત 700 વિદ્યાર્થીઓ રહી શકે તેવા અત્યાધુનિક ભવનનું નિર્માણ થશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે ધી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ ડેવલોપમેન્ટ રેસિડેન્સીયલ એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ સોસાયટી સંચાલિત એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલોમાં હજારો આદિજાતિ બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામ ખાતે એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ ખાતે સૈનિક શાળા કાર્યરત છે. જેમાં 207 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

 આ સૈનિક શાળામાં આદિવાસી બાળકો ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સૈનિક શાળાની તાલીમ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય માટે સજાગ રહે તે માટે વહેલી સવારે દોડ, વ્યાયામ, સુર્યનમસ્કાર અને યોગ કરાવવામાં આવે છે. બાળકોને શાળા સમય દરમિયાન સંજીવની દૂધ, પૌષ્ટિક ભોજન, ઋતુ પ્રમાણે ફળો, સુકો નાસ્તો આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નિપુણ થાય તે માટે સ્પોકન ઈંગ્લીશના વર્ગો, સ્વ-રક્ષણ માટે કરાટે તેમજ સૈનિકની કારકિર્દી માટેની તાલીમ સાથેની પ્રવૃત્તિઓમાં રમત ગમત, મોકડ્રીલ પણ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિને બહાર લાવવામાં માટે વિવિધ સાંસ્કૃતિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ બહારની દુનિયાના જુદા જુદા સ્થળોને જાણે ઓળખે તે માટે દર વર્ષે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. રાત્રે શિક્ષકોની દેખરેખ હેઠળ રાત્રીવાંચન કરાવવામાં આવે છે. ત્યારબાદ હળવો નાસ્તો પણ આપવામાં આવે છે.

(7:11 pm IST)