ગુજરાત
News of Thursday, 3rd December 2020

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરો પૈકી એકને રહીશોએ રંગે હાથે ઝડપી પોલીસ હવાલે કર્યો

વડોદરા:શહેરના  બાવચવાડમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરોને પડકાર ફેંકી સ્થાનિક રહીશોએ ત્રણ પૈકી એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય બે શખ્સો મોટરસાયકલ સ્થળ પર છોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટયા હતા. ચોરી કરતાં રંગેહાથ ઝડપાયેલા શખ્સને સ્થાનિકોએ મેથીપાક ચખાડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ બાવચવાડ માં રહેતો લાલાકહાર મચ્છી નો વેપાર કરે છે. આજે ગુરૂવારે વહેલી સવારે તેના ઘરે ત્રાટકેલા તસ્કરો ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન સ્થાનિક રહીશોને ગંધ આવી જતાં શોર મચાવી તસ્કરોને પડકાર ફેંક્યો હતો દરમિયાન ત્રણ તસ્કરો પૈકી એકને સ્થાનિક રહીશોએ ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય તસ્કરો પોતાનું ટુ વ્હીલર વાહન સ્થળ પર છોડી સોના ચાંદીના દાગીના લઇ નાસી છૂટયા હતા. ચોરી કરતા રંગેહાથ ઝડપાયેલા તસ્કરને સ્થાનિક રહીશોએ મેથીપાક ચખાડતા ઘવાયેલા તસ્કરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

(5:46 pm IST)