ગુજરાત
News of Thursday, 3rd December 2020

અમદાવાદમાં જુહાપુરા-સરખેજના કુખ્‍યાત ભુમાફિયા નઝીર વોરાના ભાઇ બાબા વોરાની 7.50 કરોડની ગેરકાયદે ઇમારત તોડી પાડતુ કોર્પોરેશન તંત્ર

અમદાવાદઃ જુહાપુરા-સરખેજના કૂખ્યાત ભૂમાફિયા નઝીર વોરાના ભાઇ પર હવે AMCએ કોરડો વિંઝ્યો છે. ગુરુવારે બાબા વોરાની 7.50 કરોડની ગેરકાયદે ઇમારત તોડી પાડવાની કામગિરી શરુ કરાઇ હતી.

ગેંગસ્ટર નઝીર વોરાને ડીસીપી ઝોન 7 અને કોર્પોરેશનની ટીમે વધુ એક ફટકો માર્યો હતો. આજે સવારે ભારે પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે બાબા વોરાની પ્રોપર્ટી પર ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી.

ડીસીપી પ્રેમસુખ ડેલુ પોતે પણ આ કામગીરી દરમિયાન સવારે હાજર રહ્યા હતા.

2880 ચો.મી. ક્ષેત્રફળના બાંધકામ ધરાવતા નેહા ફ્લેટ મકરબા પોલીસ હેડ ક્વાર્ટરની પાછળ આવેલ છે. પાંચ માળની આ નિર્માણાધીન ગેરકાયદેસર બિલ્ડીંગની અંદાજીત કિંમત રૂ.7.50 કરોડની આંકવામાં આવી છે. આ બિલ્ડીંગને ગત તા.15-10-2020ના રોજ સીલ કરવામાં આવી હતી.

ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદેસર બિલ્ડીંગ ઉભી કરી દીધી છે. આવી બિલ્ડીંગ્સની યાદી તૈયાર કરવામાં આવી છે. જે એક પછી એક તોડી પાડવામાં આવશે.

જેમાં નઝીર વોરાના ભાઈ બાબાએ બનાવેલા નેહા ફ્લેટનો પણ સમાવેશ હતો. કોર્પોરેશનની ટિમે આજે પોલીસ બંદોબસ્ત સાથે બિલ્ડીંગ તોડવાની કામગીરી શરૂ કરી છે.

થોડા દિવસ પહેલાં જ સોનલ ટોકિઝ રોડ પર પણ નઝીર વોરાની ગેરકાયદે 6 માળની ઇમારત ઝોયા ફલેટનું બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું. તે પહેલાં સરખેજ રોડ પર અહેસાન પાર્કમાં નઝીર વોરાએ બાંધી દીધેલ ગેરકાયદે કોમ્પલેક્સ પર પણ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિમોલિશનની કાર્યવાહી કરી હતી.

(4:32 pm IST)