ગુજરાત
News of Thursday, 3rd December 2020

‘ખુશ્‍બુ... પુષ્‍પ કી...' ગુજરાતમાં 10 વર્ષમાં ફુલના વાવેતરમાં 9.024 હેક્‍ટરનો વધારોઃ નિકાસ ઓછી થતી હોવાથી ખેડૂતોને નુકશાન

અમદાવાદ: ગુજરાતમાં ફૂલોની ખેતીમાં વધારો થઈ રહ્યો છે. જેની સાથે ઉત્પાદન પણ બમણું થયું છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં ફૂલોની ખેતીમાં 130 ટકાનો વધારો થયો છે. જેમાં 50 ફૂલોનું ઉત્પાદન તો મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં જ થઈ રહ્યો છે.જેમાં સૌથી વધુ ફુલોનું ઉત્પાદન કરનાર નવસારી, આણંદ, વલસાડ અને વડોદરા સહિત અમદાવાદ છે.પરંતુ નિકાસ ઓછી થતી હોવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે.

ભારતની કુલ નિકાસના ગુજરાતનો હિસ્સો માત્ર 1 ટકા જેટલો જ છે. નિકાસ કરવા માટે અમદાવાદ, સુરત, રાજકોટ એરપોર્ટ પર કોલ્ડ સ્ટોરેજ હોવા પ્રથમ જરૂરીયાત છે. નિકાસ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગુજરાતના ખેડૂતોને 2 હજાર કરોડ રૂપિયાના ફૂલોની ખેતી ગુમાવવી પડે છે. ફૂલોની નિકાસમાં ગુજરાત 13 રાજ્યોમાંથી 7માં નંબર પર છે. સ્થાનિક બજારમાં ફૂલના 1 કિલોના 80 રૂપિયા મળે છે.જ્યારે નિકાસ કરવાથી 1 કિલો ફૂલના 255 રૂપિયા સુધી ભાવ મળી શકે છે.

ફૂલોમાં સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોગરા અને લીલીનું છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં વધારે રસ દાખવી રહ્યા છે..પરંતુ નિકાસની પુરતી વ્યવસ્થા ન હોવાથી માત્ર સ્થાનિક જરૂરિયાત પ્રમાણે જ વાવેતર કરે છે. છતા ગુજરાતમાં ફૂલોનું 78 ટકા વાવેતર વધ્યું છે. જેથી હેક્ટર દીઠ ઉત્પાદનમાં પણ 130 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2 લાખ ટન ફૂલ થવા લાગ્યા છે.જે ગુજરાતના લોકોની ખરીદ શક્તિ વધી હોવાનું અને સાથે નિકાસ વધી હોવાનું પ્રમાણ છે. ગુજરાતના લોકોની સમૃદ્ધિ વધતાં ફૂલોનો શોખ વધ્યો છે.

વર્ષ 2008-09માં 11 હજાર 473 હેક્ટરમાં ફૂલોનું વાવેતર થતું હતું. જેમાં વધારા સાથે વર્ષ 2018-19માં 20 હજાર 497 હેક્ટર થયું હતું. જેથી 10 વર્ષમાં ફૂલના કુલ વાવેતરમાં 9,024 હેક્ટરનો વધારો થયો છે. 2019-20માં વધારા સાથે 20 હજાર 378 હેક્ટર વિસ્તારમાં બગીચા હતા. જેથી વાવેતરમાં થોડો ઘટાડો થયો, પરંતુ ફુલોના ઉત્પાદનમાં વધારો નોંધાયો છે.

વર્ષ 2008-09માં 85 હજાર 216 ટન ફૂલોનું ઉત્પાદન થયું હતું. જ્યારે 10 વર્ષમાં વધારા સાથે વર્ષ 2018-19માં 1 લાખ 95 હજાર 856 ટન થયું છે.જે વર્ષ 2019-20માં વધીને 1 લાખ 96 હજાર ટન થયું છે. આમ એ ક હેક્ટર દીઠ 9.62 ટન ફૂલોનું ઉત્પાદન કરી ખેડૂતોએ સફળ ખેતી કરી બતાવી છે.પરંતુ હવે નિકાસ માટે સરકારની જરૂર છે. જો સરકાર મદદ કરે તો નિકાસ કરી ખેડૂતો સારી આવક મેળવી શકે છે.

ગ્રીન હાઉસ ખેતીમાં ખૂબજ ઉચી ગુણવતાવાળા ગુલાબ, જર્બેરા, કાર્નેશન ગ્લેડીયોલસ, ઓર્કીડ, એન્યુરીયમ, જીપ્સોફીલા વગેરે જાતના ફુલ તૈયાર કરી આંતરરાષ્ટ્રિય બજારમાં નિકાસ કરવામાં આવે છે. UHAમાં 27 ટકા, નેધરલેંડમાં 14 ટકા, જાપાનમા 13 ટકા, જર્મનીમાં 6 ટકા ફૂલોની નિકાસ થાય છે. ફૂલછોડની જુદી જુદી પેદાશો પૈકી સુકવેલા ફુલોની નિકાસમાં ભારતનું સ્થાન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પછી ત્રીજા નંબરે આવે છે.ખેડૂતોને સુંદર ગુલાબના ઉત્પાદનમાં ઓછો રસ છે પણ કમાણી કરી આપતાં અને તુરંત ખપી જતાં ફૂલોની ખેતી વધારે અનુકુળ આવી રહી છે.

તમીલનાડુમાં 228 કરોડ રૂપિયાના ફૂલોની વિદેશમાં નિકાસ થાય છે..જ્યારે ગુજરાતમાંથી માત્ર 4.10 ટકાજ વિદેશમાં ફૂલોની નિકાસ થઈ રહી છે. કાપણી બાદ ફૂલોને તાજા રાખવા કોલ્ડસ્ટોરેજની જરૂરી હોય છે. ફુલોના સંગ્રણ, પરિવહન અને ઉપયોગ દરમિયાન સારી રીતે ટકી રહે તેવી રાસાયણિક માવજતો આપવી પડે છે. રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય બજારમાં ધોરણો પ્રમાણે ગ્રેડિંગ કરવુ પડે છે. સારા પેકિંગ, બુકે, બટન હોલ, ફ્લોરલ એરેન્જમેન્ટ, હાર, વેણી, ગજરા બનાવીને 2 ગણું વળતર મેળવી શકાય છે. પરંતુ નિકાસ માટે યોગ્ય યોજનાની જરૂર છે.

(4:27 pm IST)