ગુજરાત
News of Thursday, 3rd December 2020

અમદાવાદ સોલા સિવિલ હોસ્‍પિટલમાં ભારત બાયોટેકની વેકસીનનું ટ્રાયલઃ દરરોજ નોકરીયાત સહિત 30 વ્‍યકિતઓને અપાતી રસી

અમદાવાદ: કોરોનાની વકરતી મહામારી વચ્ચે લોકોને હવે એકમાત્ર વેક્સીન માટે આશા છે. હજી પણ તમામ વેક્સીન ટ્રાયલ હેઠળ છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમા પણ  ભારત બાયોટેકની વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્યારે હવે વેક્સીન લેવા આવનારા સ્વંયસેવકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોજ 30 જેટલા સ્વંયસેવકોને રસી આપવામાં આવી રહી છે. આંકડા મુજબ, અત્યાર સુધી અંદાજે 80 જેટલા વોલિયન્ટર્સ વેક્સીન લઈ ચૂક્યા છે.

મેડિસીન વિભાગના હેડ અને પ્રોફેસર પારુલ ભટ્ટે જણાવ્યું કે, વોલિન્ટિયર્સની સંખ્યા વધતા સોલા સિવિલમાં વેક્સીનની ટ્રાયલનો સમય અને દિવસો પણ  વધારવામાં આવ્યા છે. હવેથી સોમવારથી રવિવાર સુધી સવારે 10 વાગ્યાથી સાંજ 6 વાગ્યા સુધી વેક્સીન આપવામાં આવશે. ખાસ કરીને નોકરી કરતા વોલેન્ટિયર વધારે આવતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સોમથી શુક્રવાર દરમિયાન સાવરે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યાનો સમય હતો. જે હવે બદલવામાં આવ્યો છે. કોરોના વેક્સીન લેનારા વોલિન્ટિયર્સને હજુ સુધી કોઈ આડ અસર થઇ નથી. વેક્સીનનો પહેલો ડોઝ આપવાની કામગીરી ચાલી  રહી છે.

શહેરમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ માટે વોલન્ટિયર ઇન્કવાયરી કરી રહ્યા છે. તેની સાથે રોજ 50 જેટલા ફોન કોલ આવે છે, જેઓ વોલન્ટિયર બનવા અંગેની માહિતી મેળવે છે. આજે 20 લોકોને વેક્સિનની ટ્રાયલ આપવામાં આવશે. તેમજ હજી સુધી કોઈને પણ આની આડ અસર થઈ નથી.

(4:26 pm IST)