ગુજરાત
News of Thursday, 3rd December 2020

સતત બીજા વર્ષે IITEના છ વિદ્યાર્થીઓએ NETમાં સફળતા મેળવી

છ માંથી બે વિદ્યાર્થિનીઓ યુજીસીની જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે ઉતીર્ણ

ગાંધીનગર,તા. ૩: ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (Indian Institute of Teacher Education -IITE), ગાંધીનગરના છ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી અને કોલેજમાં અધ્યાપન માટે જરૂરી લાયકાત ગણાતી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (National Eligibility Test – NET) સફળતાપૂર્વક પાસ કરી છે. આ છ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થિનીઓને યુજીસીની (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)  જુનિયર રિસર્ચ ફેલોશિપ મળી છે, જે આઈઆઈટીઈ માટે ખૂબ જ ગૌરવની બાબત છે. આ NETનાં પરિણામ ડિસેમ્બર ૧, ૨૦૨૦ના રોજ જાહેર થયું છે. આ વિદ્યાર્થીઓમાં વિપુલ રાવલ, મેઘા સુવાગિયા, ભાવિની પરમાર, સપના બારિયા, સુભાષિની વી. તથા પ્રકૃતિ પ્રજાપતિનો સમાવેશ થાય છે.

આઈઆઈટીઈનાં સુભાષિની વી. એમ.એડ.નાં અને તથા પ્રકૃતિ પ્રજાપતિએ એમ.એસસી.એમ.એડ.નાં વિદ્યાર્થિની છે. નોંધપાત્ર બાબત એ છે કે પ્રકૃતિ પ્રજાપતિએ પ્રથમ પ્રયત્નમાં જ NETના પરીક્ષામાં પાસ કરવાની સાથે સાથે જેઆરએફ પણ મેળવી છે. NETની આ પરીક્ષા દેશમાં લેવાતી કઠીન પરીક્ષાઓમાંથી એક છે, જેમાં સફળતા મેળવવી અઘરી હોય છે. પ્રકૃતિએ આ પરીક્ષા પ્રથમ પ્રયાસે અને તેના અભ્યાસની સાથે સાથે જ પાસ કરી છે, જે એક સિદ્ઘિ છે. સપના બારિયાએ બીજી વખત NETની પરીક્ષામાં સફળતા મેળવવા ઉપરાંત જુનિયર રિસર્ચ ફેલોશિપ મેળવી છે. સફળ થયેલાં આ તમામ વિદ્યાર્થીઓએ હવે દેશની કોઈપણ શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થામાં શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપક તરીકે જોડાવા માટેની લાયકાત મેળવી છે.

જયારે મેઘા સુવાગિયા, સપના બારિયા, વિપુલ રાવલ તથા ભાવિની પરમાર આઈઆઈટીઈનાં પીએચ.ડી. સ્કોલર છે. મેદ્યા સુવાગિયા, ભાવિની પરમારે સતત બીજી વખત NETના પરીક્ષામાં સફળતા મેળવી છે. આઈઆઈટીઈના કુલપતિશ્રી ડો. હર્ષદ પટેલે સૌને અભિનંદન પાઠવ્યા છે.

(11:30 am IST)