ગુજરાત
News of Thursday, 3rd December 2020

નવસારી હાઇવે પર આરક સિસોદ્રા પાસે કારમાં આગ ભભૂકી:4 લોકોનો બચાવ: કાર બળીને ખાખ

કારમાં બેઠેલા બે મહિલા સહિત ચાર લોકો સમય સુચકતા વાપરીને કારની બહાર નીકળી ગયા

નવસારી : નેશનલ હાઇવે નં. 48 પર આરક સિસોદ્રા ગામ નજીક નવસારીથી સુરત જઇ રહેલી કારમાં અચાનક આગ લાગતા અફરા-તફરી મચી હતી. જોકે કારમાં બેઠેલા બે મહિલા સહિત ચાર લોકો સમય સુચકતા વાપરીને કારની બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી નવસારી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં સંપૂર્ણ કાર બળીને ખાખ થઇ હતી.

   સુરત ખાતે રહેતા ગીતાબેન પટેલ અને ભારતીબેન પંડ્યા, બે બાળકો સાથે તેમની કારમાં નવસારીથી સુરત જઇ રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઇવે નં.48 પર નવસારીના આરક સિસોદ્રા ગામ નજીકથી પસાર થતી વેળાએ ગીતાબેનની કારમાં અચાનક ધુમાડો નીકળતા, તેમણે તરત જ કાર રોકી દીધી હતી અને તેઓ સમય સુચકતા વાપરી બંને બાળકો સાથે કારમાંથી બહાર નીકળી ગયા હતા. એવામાં જ જોત જોતામાં આગે રોદ્ર રૂપ ધારણ કરતા હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી. આગને લઇ સ્થાનિકોએ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસે નવસારી ફાયરને જાણ કરી હતી

 . ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ફાયરના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, પણ ત્યાં સુધીમાં તો સમગ્ર કાર બળીને ખાખ થઇ હતી. કારમાંથી ગભરાટમાં બહાર નીકળતી વેળાએ એક મહિલા અને બે બાળકોને સામાન્ય ઇજા થતા તેઓ નજીકના આરોગ્ય કેન્દ્ર પર સારવાર કરાવી સુરત જવા નીકળ્યા હતા.

(10:32 am IST)