ગુજરાત
News of Thursday, 3rd December 2020

વલસાડ કલેક્ટર આર. આર. રાવલ અને ડીએસપી રાજદિપસિંહ ઝાલાનો શહેર બદલવાનો અભિગમ

કલેક્ટર અને ડીએસપીની જોડીએ વલસાડ શહેરમાં પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા અને ટ્રાફિક નિયમન કરવા અનોખા પગલાં ભર્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના સાંકડા રસ્તા, પાર્કિંગની સમસ્યા, ભારે ટ્રાફિકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અનેક વાહન ચાલકો ટ્રાફિકના નિયમનું પાલન પણ કરતા ન હતા. જેને લઇ રાહદારીઓમાં ભારે ડરનો માહોલ છવાયલો રહેતો હતો. ત્યારે વલસાડની સુરત બદલવા જિલ્લા કલેક્ટર આર. આર. રાવલ અને ડીએસપી રાજદિપસિંહ ઝાલાની જોડીએ સંનિષ્ઠ પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં તેમના અનેક પ્રયાસો હાલ વાહવાહી મેળવી રહ્યા છે.
વલસાડ કલેક્ટર આર. આર. રાવલે સૌથી પહેલાં શહેરના નવરંગ લસ્સી વાળું પાર્કિંગ ખુલ્લું કરવાની સૂચના આપી હતી. જેના પગલે પાલિકાના ચીફ ઓફિસર જગતસિંહ વસાવા અગ્રેસર બની ડિમોલિશનનું અભિયાન હાથ ધર્યું હતુ. જેમાં તેમણે નવરંગ લસ્સી વાળો પાર્કિંગ પ્લોટ ખુલ્લો કરતાં શહેરના લોકો અને બહારથી આવતા લોકોને પાર્કિંગની મોટી જગ્યા મળી ગઇ હતી. આ પાર્કિંગ પ્લોટ ખુલ્લો કર્યા બાદ તેમણે વલસાડ બસ ડેપો પાસેની અનેક દુકાનો તોડી પાડી મોટી જગ્યા ખુલ્લી કરી હતી. તેમનું આ અભિયાન અહીંથી નહીં અટકતાં તેમણે આવાબાઇ શોપિંગ કોમ્પેલેક્ષ પાસેના ઓટલા તોડી પાડ્યા હતા. અને આખા રોડ પર પાર્કિંગની મોટી જગ્યા ખુલ્લી કરાવી ત્યાં તાબડતોબ રોડ બનાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ ડીએસપીએ પણ ડિમોલિશનની કામગીરીમાં પોલીસનો પુરતો સપોર્ટ આપ્યો હતો. તેમજ તેમના દ્વારા શહેરની સુખાકારી અને ખાસ રાહદારીઓ માટે ચાર રસ્તા પર બેલાર્ડ લગાવી અનોખી સિસ્ટમ લગાવી હતી. શરૂઆતમાં લોકોને આ સિસ્ટમ સમજતાં થોડી વાર લાગી હતી, જોકે, હવે તિથલ રોડ ચાર રસ્તા પર આ બેલાર્ડને લઇ વાહનો સરળતાથી પસાર થઇ રહ્યા છે અને સાથે સાથે રાહદારીઓને પણ ખુબ જ સુરક્ષિત અનુભૂતિ થઇ રહી છે.
વલસાડમાં હજુ કરવા માટે અનેક કામો છે. જિલ્લા કલેક્ટર આર. આર. રાવલના માર્ગદર્શન મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર જે. યુ. વસાવા ડિમોલિશન કરી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરી રહ્યા છે. વલસાડમાં ડિમોલિશનનો આ રાઉન્ડ સતત ચાલુ રહે એવું લાગી રહ્યું છે. જેના કારણે વલસાડના લોકોમાં કલેક્ટર અને ડીએસપીની જોડી વાહવાહી મેળવી રહી છે.
સિટી પોલીસની ઉપસ્થિતિથી વિવાદ શમ્યો છે વલસાડ પાલિકાના નવરંગ લસ્સીથી લઇ બસ ડેપોની દુકાનોના ડિમોલિશનમાં વિવાદ ઉભો થયો હતો. જોકે, સિટી પીઆઇ એચ. જે. ભટ્ટની ટીમે સતત ખડે પગે  બંદોબસ્ત આપી વિવાદને વકરતા અટકાવ્યો હતો. વલસાડ સિટી પોલીસના મહિલા પોલીસકર્મીઓ મંજૂબેન, પુનમબેને એકલે હાથે મહિલાઓને સાચવી ડિમોલિશનને સફળ બનાવ્યું હતુ. ત્યારે શહેરમાં ચાલી રહેલા ડિમોલિશન અભિયાનમાં સિટી પોલીસનો પણ મહત્વનો ફાળો દેખાઇ રહ્યો છે. ચીફ ઓફિસર જગતસિંહ વસાવા વલસાડના રાવ બન્યા
જે .રીતે સુરતના કમિશનર રાવે ડિમોલિશન કરી સુરતની કાયા પલટ કરી હતી. એ જ રીતે વલસાડના ચીફ ઓફિસર જે. યુ. વસાવા વલસાડની કાયાપલટ કરી રહ્યા છે. તેમના દ્વારા ડિમોલિશનનો રાઉન્ડ તો ચલાવાઇ જ રહ્યો છે, સાથે સાથે જે એપાર્ટમેન્ટના પાર્કિંગો બંધ છે તેને ખોલાવી વાહનોનું પાર્કિંગ અંદર થાય એવા પ્રયાસો પણ હાથ ધરાઇ રહ્યા છે. તેમના દ્વારા અદિના પેલેસનું પાર્કિંગ ખોલાવી પાર્કિંગની મોટી જગ્યા ખુલ્લી કરાવી હતી. વલસાડના રાવ બનેલા જગતસિંહ વસાવા આગામી સમયમાં ક્યાં ડિમોલિશન કરશે એ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

(8:35 am IST)