ગુજરાત
News of Thursday, 3rd December 2020

ભોપાળું ખુલ્યા બાદ આખરે HDFC બેંકે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના બેંક ખાતામાં 5 કરોડ રૂપિયા જમા કરાવ્યા

રકમમાં જો તફાવત આવે તો એની જવાબદારી બેંકની હોવાનું HDFC બેંકે SOU ને લેખિત બાંહેધરી આપી હતી.

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કામ કરતી ખાનગી એજન્સીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફી અને પાર્કિંગ ચાર્જમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા ખળભળાટ મચ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડોદરા HDFC બેંકમાં ખાતું છે, ત્યારે પોતાના બેંક એકાઉન્ટમાં જમા થયેલી રકમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ઉઘરાવેલી ફી સહિત અન્ય ચાર્જમાં મોટો તફાવત આવતા, આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તાધીશોએ વડોદરા HDFC બેંક સત્તાધીશોને જાણ કરી હતી. of

આ ઘટના બાદ HDFC બેંકે તપાસ હાથ ધરતા HDFC બેંકને એની જ ખાનગી એજન્સી રાઈટર બિઝનેસ સર્વિસ પા.લિ દ્વારા 5 કરોડનો ચુનો ચોપડાયો હોવાનું બહાર આવ્યું હતું. HDFC બેંકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિવિધ ફી ની રકમ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તાધીશો પાસેથી લઈ બેંકમાં જમા કરાવવા વડોદરા રેસકોર્ષ રોડ પરની રાઈટર બિઝનેસ સર્વિસ પા.લિ ને કોન્ટ્રાકટ આપ્યો હતો, હવે એ ખાનગી એજન્સીએ બેંક ખાતામાં 5 કરોડ રૂપિયા જમા ન કરાવતા આખું ભોપાળુ બહાર આવ્યું હતું. HDFC બેંકે રાઈટર બિઝનેસ સર્વિસ પા.લિ વિરુદ્ધ કેવડિયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

હવે HDFC બેંકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી રસીદોને આધારે બેંકને સુપરત થયેલી રકમ અને બેંક દ્વારા એના ખાતામાં જમા થયેલી રકમમાં જો તફાવત આવે તો એની જવાબદારી બેંકની હોવાનું HDFC બેંકે SOU ને લેખિત બાંહેધરી આપી હતી. એ મુજબ HDFC બેંકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેન્ક ખાતામાં તફાવતની રકમ રૂા.5,24,77,375 જમા કરાવી હતી તથા વિલંબીત સમય માટે વ્યાજની ચૂકવણી માટે પણ બેન્ક દ્વારા બાંહેધરી આપવામાં આવી છે.

(9:01 pm IST)