ગુજરાત
News of Tuesday, 3rd December 2019

આણંદની મહાવીરપાર્ક સોસાયટીમાં અમેરિકાના વિઝા અપાવવાનું કહી એનઆરઆઇએ 25 લાખની ઠગાઈ આચરતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ

આણંદ:શહેરની મહાવીરપાર્ક સોસાયટીમાં અમેરિકાના વિઝા અપાવવાના બહાને જોષીકૂવાના એનઆરઆઈએ ૨૫ લાખની ઠગાઈ કરતાં આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરની મહાવીરપાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી રાધાકૃષ્ણન કડવાભાઈ પ્રજાપતિ એક ખાનગી કંપનીની લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતા હોય તેમની ઓફિસે રસિકભાઈ ડાહ્યાભાઈ પટેલ (રે. મુળ જોષીકૂવા, આંકલાવ, હાલ અમેરિકા)નાઓ મળ્યા હતા. જેમણે અમેરિકાના વિઝા અપાવવાની વાત કરતાં રાધાકૃષ્ણનભાઈને અમેરિકા જવું હોય પહેલાં ૧.૨૦ લાખ આપ્યા હતા. ત્યારબાદ રસિકભાઈ અમેરિકા જતા રહ્યા હતા અને જુદા-જુદા બહાને કુલ ૨૫ લાખ મેળવી લીધા હતા. ત્યારબાદ અમેરિકામાં વિઝાના કાયદા કડક થઈ ગયા છે જેથી થોડી વાર લાગશે તેમ જણાવીને સમય ખેંચ્યે જતા હતા અને વિઝાની કોઈ જ કાર્યવાહી હાથ ધરી નહોતી.

દરમ્યાન ભારત પરત આવેલા રસિકભાઈ પટેલ પાસે પૈસાની માંગણી કરતાં તેઓએ ૨૫-૧૧-૧૯ના રોજ આસોદર ચોકડીએ બોલાવ્યા હતા જ્યાં રાધાકૃષ્ણનભાઈએ વિઝા અંગે વાત કરતાં તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને પૈસા પણ પરત નહીં મળે તેમ જણાવીને થાય તે કરી લેવાનું જણાવ્યું હતુ જેથી રાધાકૃષ્ણનભાઈએ આણંદ શહે પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.

(5:25 pm IST)