ગુજરાત
News of Tuesday, 3rd December 2019

ગાંધીનગર: કલોલમાં જવેલર્સની દુકાનમાં ખરીદી માટે આવેલ બે મહિલાએ દુકાનદારની નજર સેરવી સોનાની ગીની સેરવી લીધી: સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી

ગાંધીનગર:જિલ્લાના કલોલ શહેરમાં બે દિવસ અગાઉ જવેલર્સની દુકાનમાં ખરીદી માટે આવેલી બે મહિલા દુકાનદારની નજર ચુકવીને ૩૫ નંગ સોનાની ચુની ચોરીને પલાયન થઇ ગઇ હતી. સાંજના સમયે જ્યારે દુકાનના સ્ટોકનો હિસાબ ચાલી રહ્યો હતો તે દરમિયાન ૩૫ ચુની ગાયબ જણાઇ હતી અને સીસીટીવી ફુટેજ ચેક કરતાં ગ્રાહક બનીને આવેલી આ બે મહિલાઓએ હાથ સાફ કર્યો હોવાનંુ બહાર આવ્યું હતું. જેથી આ મામલે માલિકે કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે મહિલાઓની શોધખોળ શરૃ કરી છે.

કલોલ શહેરમાં જુના ચોળા બાવાવાળા વાસના નાંકે અલમદીના જવેલર્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાન ચલાવે છે. ગત તા.૨૮ નવેમ્બરના રોજ તેમની દુકાનમાં તેમનો દિકરો મહંમદ અબરાર બેઠો હતો તે દરમિયાન બપોરના સમયે બે મહિલાઓ સોનાની ચુની ખરીદવા માટે આવી હતી.

જેથી તેણે અલગ અલગ ચુની આ મહિલાઓને બતાવી હતી અને અડધો કલાક સુધી દુકાનમાં ચુનીઓ જોયા બાદ ૧૭૦૦ રૃપિયાની એક ચુની ખરીદીને નીકળી ગઇ હતી. જો કે, સાંજના સમયે દુકાનમાં સ્ટોકની ગણતરી ચાલુ હતી તે દરમિયાન ૩૪ નંગ ચુની ગાયબ જણાઇ હતી. જેથી તેમણે સીસીટીવી ફુટેજ તપાસતા બપોરના સમયે ગ્રાહક બનીને આવેલી આ બે મહિલાઓએ હાથ સાફ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ મામલે તેમણે કલોલ શહેર પોલીસ મથકમાં ૩૫ હજારની ચોરી અંગે ફરિયાદ આપતાં પોલીસે ફુટેજના આધારે આ મહિલાઓની શોધખોળ હાથ ધરી છે. અગાઉ આવી ચોરીની ઘટનાઓમાં પકડાઇ ચુકેલી મહિલાઓની તપાસ કરવામાં આવી રહી છે.

(5:21 pm IST)