ગુજરાત
News of Tuesday, 3rd December 2019

સુરતમાં અગાઉ ચેક રિટર્નના કેસમાં આરોપીને અદાલતે એક વર્ષની સજા સહીત 11.25 લાખનો દંડ ફટકાર્યો

સુરત: શહેરમાં ચાર વર્ષ પહેલાં હાથ ઉછીના લીધેલા નાણાંના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્નના કેસમાં સંડોવાયેલા કલર ટેક્ષ મીલના આરોપી કોન્ટ્રાક્ટરને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પી.આઈ.પ્રજાપતિએ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.

ભેસ્તાન ખાતે વૃંદાવન ટાઉનશીપમાં રહેતા તથા પ્રેમસાંઈ નામે મોબાઈલ શોપ ધારક ફરિયાદી પ્રવિણ માણેક મરાઠે એ વર્ષ-2015માં પાંડેસરા સ્થિત કલરટેક્ષ મીલના આરોપી કોન્ટ્રાકટર ચેતનકુમાર છગનલાલ મિસ્ત્રી (રે.વિનાયક રેસીડેન્સી,ભેસ્તાન)ને વીસીના હપ્તા ભરવા નાણાંકીય જરૃરિયાત ઉભી થતાં રૃ.7.50 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જેના પેમેન્ટ પેટે આરોપીએ આપેલા ચેક રિટર્ન થતા વિનોદ યુ.બહારે મારફત કોર્ટ ફરિયાદ કરી હતી. આજે આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા આરોપીના નકારાયેલા ચેક ફરિયાદીના કાયદેસરના લેણાં પેટે હોવાનું પુરવાર થતાં કોર્ટે આરોપી કોન્ટ્રાકટરને એક વર્ષની કેદ તથા નકારાયેલા ચેકની રકમની દોઢી રકમ 11.25 લાખનો દંડ ફટકાર્યો છે.જો આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદ તથા દંડની રકમમાંથી ફરિયાદીને 11 લાખ વળતર અને બાકીના 25 હજાર સરકાર હસ્તક જમા લેવા નિર્દેશ આપ્યો છે.

(5:21 pm IST)