ગુજરાત
News of Tuesday, 3rd December 2019

વિરમગામના વનથળધામ ખાતે ત્રિ-દિવસીય શ્રી સદગુરૂ વંદના જન્મ શતાબ્દી મહોત્સવ યોજાયો

હોમાત્મક ૧૨૧ કુંડી શ્રી અતિરૂદ્ર મહાયજ્ઞ, ધર્મસભા, રૂદ્રાક્ષ શિવલીંગ મહાપૂજા, પાદુકા પુજન, લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સત્સંગની દિવ્ય ગરીમાને પોતાની સાધુતાથી શોભાવી, સમગ્ર શિષ્ય સમુદાયને ગુરુમંત્ર આપી સહજતાથી ઈશ્વરની ઓળખ કરાવનાર પ.પૂ. બાલબ્રહ્મચારી શ્રી ૧૦૮ ધર્મસેવાલંકાર વનથળ નિવાસી સદગુરુદેવશ્રી પુરૂષોત્તમલાલજી મહારાજશ્રીના ત્રિ- દિવસીય શ્રી સદગૂરૂ વંદના જન્મ શતાબ્દિ મહોત્સવનનું વનથળમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. 

     શ્રી ગૂરૂગાદી સનાતનધામ આનંદ આશ્રમ વનથળના ગાદીપતિ મહંતશ્રી દિનબંધુલાલજી મહારાજના સાનિધ્યમાં ભક્તોનુ ઘોડાપૂર ઉમટયુ હતુ.  

    ત્રિ- દિવસીય શ્રી સદગૂરૂ વંદના જન્મ શતાબ્દિ મહોત્સવમાં હોમાત્મક ૧૨૧ કુંડી શ્રી અતિરૂદ્ર મહાયજ્ઞ, ધર્મસભા, રૂદ્રાક્ષ શિવલીંગ મહાપૂજા, લોકડાયરો, પાદુકા પુજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત લોક સાહિત્કાર રાજભા ગઢવી અને ભજન સમ્રાટ કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. 

   વનથળ ધામ ખાતે શ્રી સદગુરુ વંદના જન્મ શતાબ્દી મહોત્સવહતુના ધર્મસભામાં શ્રી ગૂરૂગાદી સનાતનધામ આનંદ આશ્રમ વનથળના ગાદીપતિ મહંતશ્રી દિનબંધુલાલજી મહારાજ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ,   દૂધરેજ જગ્યાના મહંત કનીરામ બાપુ, ચાણોદ જગ્યાના મહંત જગદિશાનંદ, નડીયાદ સંતરામ મંદિરના બાપુ, કમીજલા ભાણ સાહેબની જગ્યાના મહંત જાનકીદાસજી મહારાજ સહિતના સંતો મહંતો તેમજ મહામંડલેશ્વરો ઉપસ્થિત રહ્યાં હતાં. 

    મહોત્સવમાં ૧૨૧ કુંડી શ્રી અતિરુદ્ર મહાયજ્ઞનું ભવ્ય આયોજન યુક્ત મંડપ દ્વારા કરવામાં આવ્યું અને ભગવાન ભોળાનાથને આપણા પૂજ્ય બાપુ ઈષ્ટદેવ તરીકે પૂજતા એટલે ૨૧ ફુટના રૂદ્રાક્ષના શિવલીંગનું અદભુત દર્શનીય આયોજન કરવામાં આવ્યું હતુ. 

    ૨૧ લાખ રૂદ્રાક્ષના પારા દ્વારા શાસ્ત્રોક્ત પૂજાવિધિથી શિવલીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. વિશેષમાં પૂ. મહંતબાપુના સંકલ્પ મુજબ સદગુરુદેવના ૧૦૦માં વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર શિષ્યમંડળ દ્વારા ઘેર - ઘેર ૧૦૦ કરોડ સદગુરુ મહામંત્ર લેખનની શરૂઆત કરવામાં આવેલ હતી જે સમાપનના અંતે ૧૨૫ કરોડ મંત્રલેખન થયેલ છે તે પણ મંત્ર મંદિરમાં પ્રદક્ષિણા માટે રાખવામાં આવ્યા હતા.  

    આ ઉપરાંત ત્રિદિવસીય સદગૂરૂ મહામંત્રની અખંડધૂન તેમજ અનેકવિધ ભક્તિસભર કાર્યક્રમોનું દર્શનીય આયોજન કરવામાં આવ્યું હતુ 

    અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલું વનથળ ગામ સદગૂરુ શ્રી પુરષોતમ લાલજી મહારજની કર્મભુમિ અને તપોભુમી છે. આ પવિત્ર ભુમિ પર સદગૂરુના હસ્તે સ્થપાયેલ ગૂરૂ ગાદી, સમાધિ સ્થાન અને સ્મૃતિ મંદિર આવેલ છે.

(5:14 pm IST)