ગુજરાત
News of Tuesday, 3rd December 2019

અમદાવાદમાં ૪ કલાકમાં ૨ હિટ એન્ડ રનઃ બાઇક ચાલકનું મોતઃ ૩ મજૂરોને ઇજાઃ BRTSમાં ડ્રાઇવરો બાદ હવે કારચાલકો પણ બેખોફ બન્યા

અમદાવાદ :ગઈકાલે રાત્રે ત્રણ ચાર કલાકમાં જ શહેરમાં 2 હિટ એન્ડ રનના બે કેસો બન્યા છે. જેમાં મેમનગરમાં એક ઇનોવા કારે એક બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું હતું. તેના ગણતરીના કલાકો બાદ મોડી રાત્રે 11 વાગે ઇસનપુર વિસ્તારમાં એક કાર ચાલકે ગોવિંદ વાડી પાસે એક સોસાયટીની બહાર રોડ પર સુઈ રહેલા ત્રણ મજુરો પર કાર ચઢાવી હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરોને ઈજાઓ પહોંચતા તમામને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હવે અમદાવાદમા બીઆરટીએસના ડ્રાઈવરો બાદ કારચાલકો પણ બેખોફ બન્યા છે તેવું લાગી રહ્યું છે.

કારચાલકે મજૂરોને કચડ્યા...

અમદાવાદમાં ગઈકાલે રાત્રે ઈસનપુર વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ઈસનપુર વિસ્તારમાં રસ્તાની બાજુમાં સૂઈ રહેલા મજુરો પર એક કાર ચાલકે કાર ચઢાવી દીધી હતી અને 3 મજુરો પર કાર ચાલક કાર ફેરવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનામાં ત્રણ મજુરો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. 

ધારાસભ્યની કારે અકસ્માત સર્જ્યો

મેમનગરમાં પોતાના દીકરાને ટ્યુશનથી પરત લેવા જઇ રહેલા પ્રફુલ પટેલ નામનાં 42 વર્ષનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કાર ચાલક અકસ્માત બાદ ત્યાંથી નાસી છુટ્યો હતો. GJ 1 RX 9972 નંબરની સફેદ કલરની ઇનોવાની આગળ એમએલએ ગુજરાત (MLA Gujarat) લખેલું હોવાનું પણ સામે આવ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવાનો ડુચો થઇ ગયો હતો. ઘટના અંગે પોલીસે હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં ગાડી કોંગ્રેસી શૈલેષ પરમારની હોવાનું સામે આવ્યું છે. જો કે શૈલેષ પરમારનો સંપર્ક કરતા તેમણે ગાડી પોતાનું હોવાનું સ્વિકાર્યું હતું. જો કે સાથે સાથે તે ગાડીમાં પોતે નહી હોવા અને ગાડી ડ્રાઇવર ચલાવી રહ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું.

(4:47 pm IST)