ગુજરાત
News of Tuesday, 3rd December 2019

સુરતમાં પ૧૭ દારૂની બોટલ સાથે ૩ મહિલાઓની ધરપકડઃ ગુજરાતમાં મહિલાઓ પણ દારૂની હેરાફેરીના ધંધામાં

સુરત :દારૂના વેચાણ અને હેરાફેરીમાં હવે મહિલાઓ પણ પાછળ નથી. સુરતની વરાછા પોલીસે આવી ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે કે જે શરીરમાં દારૂ છુપાવીને દારૂની હેરાફેરી કરતી હતી. આ મહિલાઓ પાસેથી સુરત પોલીસે 517 દારૂની બોટલ પણ જપ્ત કરી છે. આ કિસ્સા પરથી જાણી શકાય કે, ગુજરાતમાં મહિલાઓ પણ બેફોખ રીતે દારૂ વેચતી રહી છે.

સુરત વરાછા પોલીસને મળેલી માહિતી મુજબ, જ્યારે પોલીસ ઘનશ્યામ નગરના શેરી નંબર 1 પાસે પહોંચી અને ત્યાં ઉભેલી રિક્ષામાંથી ત્રણ મહિલાઓને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડી હતી. પોલીસને જોઈ ઘટનાસ્થળથી રિક્ષાચાલક ફરાર થઈ ગયો હતો. આ મહિલાઓ ચાર પ્લાસ્ટિકના થેલામાં દારૂ ભરીને લઈ જઈ રહી હતી. આ થેલાનું ચેકિંગ કરતા તેમાંથી 517 દારૂની બોટલ મળી આવી હતી. જેની કિંમત આશરે 25,800 છે. જોકે કોણ આ મહિલાઓ પાસેથી દારૂની હેરાફેરી કરાવતું હતું તેની તપાસ પોલીસે શરૂ કરી છે. આ મામલે મહિલાઓની પૂછપરછ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ખુલ્લેઆમ દારૂ વેચાય, પીવાય અને પકડાય છે. ગુજરાતમાંથી વારંવાર દારૂ વેચાતો પકડાય છે, તેમ છતાં જાણે કે બૂટલેગરોને પોલીસને શરમ પણ નડતી નથી, તેમ તેઓ પણ બિન્દાસ્ત દારૂ વેચતા જોવા મળે છે. હાલ ગુજરાતમાં દારૂબંધી મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આમનેસામને આવી ગયા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળતો હોવાની વાત કરી છે.

(4:46 pm IST)