ગુજરાત
News of Tuesday, 3rd December 2019

અમદાવાદના હિરાપુરમાં DPS સ્‍કૂલને તાળા મારી દેતા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બંધઃ મજુલા શ્રોફને શોધતા વાલીઓ

અમદાવાદ :અમદાવાદના હીરાપુરમાં જૂઠની જમીન પર બનેલી DPS સ્કૂલને તાળાં મારતાં વાલીઓ રઝળી પડ્યા છે. વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બંધ થયું છે, ત્યારે સ્કૂલ સામે વાલીઓએ મોરચો માંડ્યો છે. વાલીઓ મંજુલા શ્રોફને શોધી રહ્યા છે. તો મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ડીપીએસ સ્કૂલની બહાર ધરણા પર બેસ્યા છે અને સ્કૂલ ચાલુ કરવાની માંગી કરી રહ્યાં છે. ત્યારે ધરણા પર બેસેલા DPSના વિદ્યાર્થીઓએ નિત્યાનંદનો ભાંડો ફોડ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, નિત્યાનંદના નફ્ફટ બાબાઓ તેઓને મલખમ શીખવવા આવતા હતા. ત્યારે સવાલ એ થાય છે કે, કયા ઈરાદા સાથે નિત્યાનંદના બાબાઓ વિદ્યાર્થીઓ પાસે આવતા હતા? અગાઉ અંધજન મંડળના બાળકો પર પણ નિત્યાનંદના બાબાઓ નકલી પ્રયોગ કરી ચૂક્યા છે. જેનો વીડિયો સામે આવ્યો હતો.

ડીપીએસ સ્કૂલની બહાર ધરણા પર બેસેલા નાના ભૂલકાઓએ નિત્યાનંદ અને ડીપીએસ સ્કૂલની સાંઠગાંઠનો ભાંડો ફોડ્યો છે. DPSના વિદ્યાર્થીઓએ પહેલીવાર કેમેરા સામે આશ્રમના કરતૂતોની પોલ ખોલી છે. DPS જમીનનો ખોટી રીતે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઢોંગી નિત્યાનંદના અનુયાયીઓ ડીપીએસ સ્કૂલના વિદ્યાર્થીઓને મલખમ શીખવવા આવતા હતા તેવું તેઓએ જણાવ્યું છે. બાળકોનું ફૂટબોલ ગ્રાઉન્ડ નકલી બાબાઓએ પચાવી પાડ્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. DPSના ભૂલકાંઓએ કહ્યું કે, ‘અમારું પ્લે ગ્રાઉન્ડ બાબાઓએ છીનવી લીધું છે. DPS સ્કૂલ અને નિત્યાનંદ આશ્રમને લઈ મોટો ખુલાસો કર્યો કે, આશ્રમ બન્યું ત્યાં પહેલા સ્કૂલનું ફૂટબોલ ગ્રાઉન્ડ હતું. સ્કૂલના ફૂટબોલ ગ્રાઉન્ડને ભાડા પેટે નિત્યાનંદ આશ્રમને સોંપી દેવાયું હતું. બાળકો પાસેથી ગ્રાઉન્ડ છીનવીન તેને ભાડા પેટે આશ્રમને આપવામાં આવ્યું હતું. આશ્રમમાંથી સાધ્વી-જટાધારી બાબાઓ સ્કૂલમાં આવતા હતા. 3 થી 4 જટાધારીઓ બાળકોને મલખમ શીખવતા હતા. આશ્રમમાંથી કેટલાક લોકો આવીને મલખમ શીખવે છે તે વાતની વાલીઓને પણ જાણ હતી. તેમ છતાં તેઓએ સ્કૂલ સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો.

વિદ્યાર્થીઓએ સ્કૂલની બહાર પોસ્ટર્સ સાથે દેખાવો કર્યા હતા. જેમાં લખ્યું હતું કે, વી વોન્ટ અવર સ્કૂલ બેક. તો અન્ય પોસ્ટર પર વી આર ઈનોસન્ટ ચાઈલ્ડ એવું લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ વહેલી સવારથી DPS ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા છે. તેઓની એક જ માંગ છે કે, સ્કૂલ ચાલુ કરવામાં આવે. વાલીઓ આજે DEO ને પણ રજુઆત કરવા પહોંચશે.

ત્યારે સવાલો એ થાય છે કે, નકલી બાબાઓ કોની પરવાનગીથી મલખમ શિખવવા આવતા હતા? કયા ઈરાદા સાથે નિત્યાનંદના બાબાઓ વિદ્યાર્થીઓ પાસે આવતા હતા? શું નકલી બાબાઓ ભૂલકાંઓ પર કરવા માંગતા હતાં કોઈ તાંત્રિક વિધી? અગાઉ અંધજન મંડળના બાળકો પર પણ નિત્યાનંદના બાબાઓ પ્રયોગ કરી ચૂક્યા છે. ત્યારે ડીપીએસના વિદ્યાર્થીઓને તે કેવી જાળમાં ફસાવવા માંગતા હતા.

બીજી તરફ, નિત્યાનંદ અને બન્ને બહેનો હજી પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે બંનેની તપાસ માટે ગુજરાત પોલીસ ઈન્ટરપોલની મદદ લેશે. ઈન્ટરપોલ બંન્ને બહેનોની બ્લ્યુ નોટિસ ઈસ્યુ કરશે. કારણ કે, તપાસ માટે બેંગ્લોર ગયેલી ગુજરાત પોલીસની ટીમ પરત ફરી છે. જેઓને નિત્યાનંદ વિશે કોઈ માહિતી મળી નથી. નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયા તત્વને રાહત મળી નથી. બંનેની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે.

(4:44 pm IST)