ગુજરાત
News of Tuesday, 3rd December 2019

ગુજરાત એસ.ટી. નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા પેન્શન પ્રશ્ને ગુરૂવારે દિલ્હીમાં ધરણા-રેલી

રાજકોટ તા. ૩ : એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓને કેન્દ્રના ધોરણે પગારના ૫૦ ટકા પેન્શનનો પ્રશ્ન વર્ષોથી ટલ્લે ચડયો છે. ત્યારે આ સહીત અન્ય કેટલાક પ્રશ્નોનો ત્વરીત ઉકેલ આવે તેવી માંગણી સાથે ગુજરાત એસ.ટી. નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા તા. ૫ ના ગુરૂવારે જંતરમંતર મેદાન નવી દિલ્હી ખાતે રેલ અને ધરણા કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

નિવૃત્ત કર્મચારી સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ કુરજીભાઇ હરખાણીની યાદીમાં જણાવ્યા મુજબ હાલ એસ.ટી. નિવૃત્તોને ૧૯૯૫ થી લઘુતમ પેન્શન મળી રહ્યુ છે. ખરેખર પગારના ૫૦ ટકા મળવુ જોઇએ. લાંબા સમયથી આ પ્રશ્ન અણ ઉકેલ છે. કેન્દ્રમાં બે બે સરકાર બદલી ગઇ છતા એસ.ટી. કર્મચાીરોઓને ન્યાય મળ્યો નથી.

ત્યારે પેન્શન, મોંઘવારી, ઇ.પી.એફ.ઓ., ઇ.પી.એસ., વિધવા મહીલા પેન્શન સહીતના મુદ્દાઓને આવરી લઇ તા. ૫ ના ગુરૂવારે નવી દિલ્હીમાં ધરણા અને રેલીનું આયોજન કરાયુ છે. રાજયભરમાંથી નિવૃત્ત એસ.ટી. કર્મચારીઓ જંતર મંતર મેદાનમાં ઉમટી પડશે. તેમ ગુજરાત એસ.ટી. નિવૃત્ત પેન્શન કર્મચારી સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ કુરજીભાઇ હરખાણી (મો.૯૪૨૬૧ ૩૬૭૫૭) ની યાદીમાં જણાવાયુ છે.

(1:33 pm IST)