ગુજરાત
News of Tuesday, 3rd December 2019

વિશ્વ વિકલાંગ દિવસ

બેય હાથ ન હોવા છતા મેળવી ચિત્રકાર તરીકેની રાષ્ટ્રીય ઓળખઃ મોઢેથી બ્રશ પકડીને બનાવે છે ચિત્ર

સુરત તા. ૩ :.. 'હાથ ની રેખાઓ શું જુઓ છો, તકદીર તો હાથ ન હોય તેમની પણ હોય છે' આ વાકયોનું સાકાર રૂપ છે. સુરતના દિવ્યાંગ મનોજ ભીંગારે. તેમણે સાબિત કરી આપ્યું છે કે વ્યકિતનું ભાગ્ય હસ્તરેખાથી નહીં પણ મનોબળ, મહેનત,  અને તેની લગનથી લખાય છે. બન્ને હાથ ન હોવા છતાં પણ મનોજ સફળ ચીત્રકાર છે. તે માઉથ પેન્ટીંગ દ્વારા રાજય અને રાષ્ટ્રીય સ્તરના કેટલાય ઇનામ જીતી ચુકયા છે.

નવાગામ ડિંડોલી નિવાસી મનોજ ભિંગારે પોતાની ચિત્રકલાથી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તેમની ચિત્રકળાની ખાસ વાત એ છે કે તે હાથોથી નહીં મોઢાથી ચિત્ર બનાવે છે. બેય હાથ ન હોવા છતાં પણ તેણે હિંમત નથી હારી કંઇક કરી બતાવવાનું નકકી કરીને તેમણે મોઢાથી ચિત્ર બનાવવાનું શરૂ કર્યુ અને ધીરે ધીરે તેમની કલાની નામના થવા લાગી. ૧૯૯૪ જયારે મનોજ પાંચમા ધોરણના વિદ્યાર્થી હતા ત્યારે તે બસમાં પિતા ગોપાલ અને માં શોભા સાથે નાસિક ગયા હતાં. બસ અકસ્માતમાં તેમનો એક હાથ ઘટના સ્થળે જ કપાઇ ગયો હતો જયારે બીજા હાથમાં ગંભીર ઇજાઓ થઇ હતી. પછી ડોકટરો એ તેનો બીજો હાથ પણ કાપવો પડયો.

પરિવારને અમદાવાદના અપંગ માનવ મંડળ અંગે જાણ થઇ તો ૧૯૯પમાં તેના માતા-પિતા મનોજને લઇને અમદાવાદ ગયા પણ સંસ્થાએ એવું કહીને પ્રવેશ આપવાની ના પાડી કે બેય હાથ નથી તો તે પોતાનું કામ કેવી રીતે કરશે. ત્યાંના જ એક શિક્ષકે મનોજને જણાવ્યું કે ત્યાં પહેલા એક વિદ્યાર્થી હતો જે મોઢા અને પગથી પોતાના બધા કામ કરતો હતો.

સુરત પાછા આવીને મનોજે પણ મોઢા અને પગથી લખવાનું તથા પોતાનું કામ જાતે કરવાનું શરૂ કર્યું. ૧૯૯૬માં ફરીથી અમદાવાદની સંસ્થામાં પહોંચ્યા. આ વખતે મોઢા અન પગથી તેમના દ્વારા કરાતા કામ જોઇને પ્રવેશ આપી દીધો. આ સંસ્થામાં મનોજે ૧૦મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. મનોજનું કહેવું છે કે તેને પહેલાથી જ ચિત્રકળાનો શોખ હતો. તેણે મોઢેથી ચિત્ર દોરવાનું શરૂ કર્યું. અભ્યાસ દરમ્યાન ૧૯૯૯માં તેણે દિલ્હીમાં યોજાયેલ ચિત્રકળા સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં તેને રાષ્ટ્રીય બાલશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં.

(1:33 pm IST)