ગુજરાત
News of Tuesday, 3rd December 2019

અરબી સમુદ્રમાં બે લો પ્રેશર સક્રિય : સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે: 72 કલાકમાં સોમાલિયા તરફ આગળ વધશે.

અમદાવાદ : અરબી સમુદ્રમાં બે લો પ્રેશર સક્રિય થયા હતા.જો કે દક્ષિણ પશ્ચિમમાં સક્રિય લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. જેના લીધે 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. અને 72 કલાકમાં સોમાલિયા તરફ આગળ વધશે. જેના પગલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

   દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્ર પર લો પ્રેશર સિસ્ટમ સક્રીય થઈ છે. જેના કારણે 4 ડિસેમ્બરે મધ્ય ગુજરાતનાં આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી સિવાય સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથ જેવાં જીલ્લાઓમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે, આ દરમિયાન દરિયામાં ઉંચા મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયાછથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે

  વાદળછાયા વાતાવરણ વચ્ચે સોમવારે રાત્રે વાલોડ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. વાલોડના બુહારી, વિરપોર, અંધાત્રી જેવાં કેટલાંક ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. માવઠાને પગલે અંધાત્રી ગામમાં લગ્નના મંડપમાં પાણી ભરાઈ ગયા હતા

  . કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાય એવી શક્યતા છે. હવામાન ખાતાનું કહેવું છેકે, ઉત્તર ભારત તરફથી આવતા પવનોને કારણે આવતા અઠવાડિયાથી ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે.

(1:42 pm IST)