અમદાવાદના ચાંદખેડામાં પેટ્રોલિંગ દરમ્યાન પોલીસની બાઇકને કાર ચાલકે ટક્કર મારી
અમદાવાદ:ચાંદખેડા વિસ્તારમાં વ્રજ ટેનામેન્ટ નજીક આઈઓસી રોડ પાસે પેટ્રોલિંગમાં કરી રહેલી પોલીસ બાઈકને બેફામ ઝડપે દોડતી કારનો ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે બાઈક પર સવાર બંને પોલીસ કર્મચારીઓને રોડ પર પટકાવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ૧૦૮માં પોલીસ કર્મચારીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. ચાંદખેડા પોલીસે કારચાલક વિરૃદ્ધ ગુનો દાખલ કરી કાર નંબરના આધારે તપાસ શરૃ કરી છે.નવાવાડજ વિસ્તારમાં નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રવિણભાઈ જયંતિભાઈ શિલાજીયા (ઉં.૪૫) ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. બુધવારે પ્રવિણભાઈને નાઈટ ડયુટી હોવાથી તેઓ લોકરક્ષક દળના જવાન રવિભાઈને બાઈક પાછળ બેસાડી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. રાત્રીના ૨૩.૪૫ વાગ્યે પેટ્રોલિંગમાં વ્રજ ટેનામેેન્ટસ આઈઓસીરોડ પાસે પ્રવિણભાઈ બાઈક લઈને પસાર થતાં હતા.
તે સમયે બેફામ ઝડપે આવી રહેલી કારના ચાલકે પ્રવિણભાઈના બાઈકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતને પગલે પ્રવિણભાઈ અને રવિભાઈ બંને રોડ પર પટકાયા અને કાર ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો.