બોપલના ભાજપ કોર્પોરેટર મહેશ પટેલે દાદાગીરી કરી
યુવકને ભાજપ કોર્પોરેટર દ્વારા ઢોર માર મરાયો : કોર્પોરેટર મહેશ પટેલ સહિત છ લોકોની વિરૂદ્ધ ફરિયાદ
અમદાવાદ,તા.૨ : છેલ્લા કેટલાક સમયથી ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો સહિતના જાહેરસેવકો દ્વારા જાહેરમાં દાદાગીરી-લુખ્ખાગીરી અને લોકો સાથે મારામારી કરવાના ગંભીર બનાવો એક પછી એક સામે આવતાં જાય છે ત્યારે ફરી એકવાર ભાજપ વિવાદમાં સપડાયું છે. બોપલ-ઘુમા નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર મહેશ પટેલ સહિત છ શખ્સોએ યુવકને માર માર્યો હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કોર્પોરેટર મહેશ પટેલ અને અન્ય શખ્સોએ ઘુમાની આરોહી ક્લબમાં સોસાયટીના વહીવટ બાબતે યોજાયેલી બેઠકમાં યુવક પર હુમલો કરી તેને લોહીલુહાણ કર્યો હતો. આ સમગ્ર ઘટના ક્લબમાં લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ છે. બોપલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ભાજપના જાહેરસેવકોની આ પ્રકારે જાહેરમાં લુખ્ખાગીરી અને દાદાગીરીને પગલે ખરેખર તો, પક્ષની પ્રતિષ્ઠા અને ઇમેજને બહુ મોટુ નુકસાન થઇ રહ્યું છે અને પ્રદેશ આગેવાનો અને નેતાઓએ આ સમગ્ર મામલે આવા તત્વોની પક્ષમાંથી હકાલપટ્ટી અને તાત્કાલિક શિસ્તભંગના પગલાં લઇ સબક સમાન કાર્યવાહી કરવાની માંગણી પણ લોકોમાં ઉઠવા પામી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ઘુમા આવેલા આરોહી કલ્બમાં ગઈકાલે સોસાયટીના વહીવટને લઈ મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં બોપલ-ઘુમા નગરપાલિકાના ભાજપ કોર્પોરેટર મહેશ પટેલ, સુરેશ જોયતારામ પટેલ, વિકાસ કાંતિલાલ પટેલ, ધર્મેશ પટેલ તેમજ શિવાલિક સોસાયટીમાં રહેતા સ્નેહલ પટેલ હાજર હતા. તે દરમિયાન વહીવટને લઈ સ્નેહલ પટેલ અને મહેશ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી. તમામે ભેગા મળી સ્નેહલ પટેલને માર માર્યો હતો. જેમાં સ્નેહલને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બોપલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ શરૂ કરી છે.