ગુજરાત
News of Tuesday, 3rd August 2021

પાલનપુર ખાતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો :વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરી વિનામૂલ્યે અનાજ વિતરણના કાર્યક્રમમાં સહભાગી બન્યાં

ગુજરાતની શાંતિ, સલામતિ અને સુરક્ષા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકારની દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિને આભારી છે :ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

પાલનપુર :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી, સૌના વિકાસના” હેઠળ છેલ્લા ત્રણ દિવસથી તા.૧ લી ઓગષ્ટ,થી સમગ્ર રાજ્યમાં જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત આજે તા. ૩ જી ઓગષ્ટરના રોજ પાલનપુર ખાતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજના અધ્યક્ષસ્થાને ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’’ના લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરી કાર્યક્રમમાં સહભાગી બન્યાં હતાં.  

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે, ગુજરાતની શાંતિ, સલામતિ અને સુરક્ષા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકારની દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિને આભારી છે. રાજયની શાંતિ, સલામતિ અને સુરક્ષાને જોઇ દેશ- વિદેશના ઉધોગપતિઓ ગુજરાતમાં રોકાણ કરવા આવે છે જેના લીધે ગુજરાતે ઔધોગિક ક્ષેત્રે પણ હરણફાળ વિકાસ કર્યો છે. મંત્રીએ કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા માર્ગે ચાલી ગુજરાતે આજે તમામ ક્ષેત્રોમાં પ્રગતિના સોપાનો સર કર્યા છે. તેમણે ઉમેર્યુ કે આ પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહીં પરંતુ પાંચ વર્ષના સુશાસનમાં લોકહિતના થયેલા અનેકવિધ વિકાસકામોને જન-જન સુધી ઊજાગર કરવા માટેના કાર્યક્રમો છે. આજે યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં રાજ્યની ૧૭ હજારથી વધુ સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થીદીઠ પ કિ. લો. અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત NFSA અંતર્ગત અંદાજિત ૭૨ લાખ પરિવારોને (૩.૫ કરોડની વસ્તી) વ્યક્તિદીઠ પાંચ કિ. લો. અનાજની બેગ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’’ દ્વારા ગરીબોની આંતરડી ઠારવાનું કામ આ સરકારે કર્યુ છે. ગરીબોની વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તિત કરી આ સરકાર સાચા અર્થમાં નોધારાનો આધાર બની છે તેમ તેમણે જણાવ્યું હતું.
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતને દેશ અને દુનિયામાં ગૌરવ અપાવ્યું છે અને આજે વડાપ્રધાનશ્રીએ ભારતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. ગરીબી નાબૂદી માટે શિક્ષણ અનિવાર્યપણે જરૂરી છે એ વાત સમજીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગામડે ગામડે જઇ શિક્ષણની આહલેક જગાવી હતી, જેના કારણે આજે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઇ છે. તેમણે કહ્યું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનામાં ડેમના દરવાજા નાખવાનું કામ વર્ષોથી અટકેલું પડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા ડેમના દરવાજા નાખવાની તાત્કાલીક પરવાનગી આપીને ગુજરાતની સુખ- સમૃધ્ધિના દ્વાર ખોલી આપ્યાા છે. તેમણે કહ્યું કે, નર્મદા યોજનાથી ગુજરાત હરીયાળું બન્યું છે, ખેડુતોની આવક અને સુખાકારીમાં વધારો થયો છે. કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડુતોના ખાતામાં વાર્ષિક રૂ. ૬૦૦૦ ની સહાય આપવામાં આવે છે. ખેડુતોના કલ્યાણ માટે સાત પગલાં ખેડુત કલ્યાણના... કિસાન સૂર્યોદય યોજનામાં ખેડુતોને સિંચાઇ માટે દિવસે વીજળી આપવી જેવા અનેક ખેડુતલક્ષી નિર્ણયો આ સરકારે લીધા છે જેનો લાભ રાજયના લાખો ખેડુતોને મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દેશ- વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી સરકારે આતંકવાદી પ્રવૃત્તિઓને ડામી દેવા અને દુશ્મનોના દાંત ખાટા કરવા સર્જીકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદી પ્રવૃત્તિઓનો ખાત્મો બોલાવ્યો છે. તેમણે કહ્યું કે, રાજયમાં શાંતિ, સલામતિ અને સુરક્ષાનું વાતાવરણ કાયમ બની રહે તે માટે વિવિધ કડક કાયદાઓ બનાવવામાં આવ્યાં છે. ગૌ હત્યા અને ગૌવંશને બચાવવા કડક કાયદો બનાવી આવા કૃત્યો કરનારને આજીવન કેદની સજા ફરમાવવાની જોગવાઇ કરવામાં આવી છે. માતા- બહેનોની સુરક્ષા માટે ચેઇનસ્નેચરોને સાત વર્ષની કડક સજા તથા હિન્દુ સમાજની બહેન- દિકરીઓને ભોળવી લવ-જેહાદ કરવાવાળા તત્વો સામે કડક કાયદો પસાર કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યુ કે, વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને બચાવવા અને તેમની શાન ઠેકાણે લાવવા પાસાનો કાયદો, સાયબર ક્રાઇમ અટકાવવા પાસાના કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણે સૌ એ કોરોનાની પહેલી અને બીજી લહેર જોઇ છે, આ સમય દરમ્યાન સરકારે યુધ્ધના ધોરણે કામગીરી કરી લોકોના જાન બચાવ્યા છે. હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ચર્ચા થઇ રહી છે ત્યારે ત્રીજી લહેરના સામના માટે સરકાર સંપૂર્ણ સજ્જ છે. પરંતું આપણે કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને માસ્ક અવશ્ય પહેરીએ, વેક્શીન લઇ સુરક્ષા સુનિશ્વતિ કરીએ તેમ તેમણે જણાવ્યું હતું.
  આ પ્રસંગે કલેકટરઆનંદ પટેલ, ભૂજ રેન્જ આઇ.જી. જે.આર.મોથલીયા, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, અગ્રણીઓ સર્વ ગુમાનસિંહ ચૌહાણ,  નંદાજી ઠાકોર,માધુભાઇ રાણા, યશવંતભાઇ બચાણી, દિલીપભાઇ વાઘેલા, કનુભાઇ વ્યાસ,  ડાહ્યાભાઇ પિલીયાતર, ગજેન્દ્રભાઇ સક્સેના,  નિલેશભાઇ મોદી, ભરતભાઇ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે.ચાવડા, પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને સારી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(6:31 pm IST)