ગુજરાત
News of Tuesday, 3rd August 2021

વડોદરા:લંડનના વિઝા આપવાના બહાને ગેરેજ ચલાવતા યુવાન પાસેથી 4.59 લાખ પડાવી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: .લંડનના વિઝા આપવાના બહાને ગેરેજ ચલાવતા યુવાન પાસેથી ૪.૫૯ લાખ રૃપિયા પડાવી લઇ છેતરપિંડી કરનાર બ ેઠગ સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ની પ્રાથમિક તપાસમાં  એવી વિગતો પ્રકાશમા આવી છે કે,વિદેશના વિઝા અપાવવાના બહાને બંને ઠગે અત્યારસુધીમાં લોકો પાસેથી એક કરોડ ખંખેરી લીધા છે.

ડભોઇ રોડ એસ.બી.આઇ.ની પાછળ કાન્હા હાઇટ્સમાં રહેતા નિખીલ બાબુભાઇ રાજપૂતનું ગણેશનગરમાં ફોરવ્હીલરનું ગેરેજ છે.નિખીલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,મારા મિત્ર સચિન કિરીટભાઇ રાય (રહે.સિલ્વર લિફ્ટ ડુપ્લેક્સ,સોમાતળાવ) મારફતે મારી ઓળખાણ મૃગેશ અજીતભાઇ પટેલ (રહે.સ્વસ્તિક રેસિડેન્સી, ઘોડાસર,અમદાવાદ) સાથે થઇ હતી.ગત તા.૧૫-૦૯-૨૦૨૦ ના રોજ સચિનની દુકાનમાં મૃગેશ સાથે મુલાકાત થઇ હતી.સચિને મને કહ્યું હતું કે,મૃગેશ લંડનના વિઝા અપાવવાનું કામ કરે છે.અને તેઓ તમામ પ્રોસેસ કરીને નોકરી પણ અપાવે છે.મારૃં  કામ પણ મેં તેમને જ સોંપ્યુ છે.હાલમાં લંડન ખાતે પ્લાસ્ટિકની કંપનીમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં નોકરી ખાલી છે.બંનેની વાતમાં આવીને મે મારી પત્ની અને બે બાળકોના વિઝાનું કામ મૃગેશને સોંપ્યુ હતું.મેં મારા પરિવારના પાસપોર્ટ તથા પાનકાર્ડની નકલ મૃગેશને વોટ્સએપ પર મોકલી આપી હતી.બે દિવસ પછી સચિને મને કહ્યું હતું કે,તમારા પત્નીની નોકરી લંડન ખાતે નક્કી થઇ જશે.તમારે આગળના પ્રોસેસ માટે અડધા રૃપિયા પહેલા અને અડધા રૃપિયા કામ પુરૃ થઇ ગયા પછી આપવાના રહેશે.મેં પ્રથમ વખત સાડા ત્રણ લાખ રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.સચિને મને વિશ્વાસ આપ્યો  હતો કે,હાલમાં કોરોનાની મહામારી ચાલતી હોય લંડન જવાય નહી.તમારૃં કામ થઇ જશે.થોડી ધીરજ રાખજો.ત્યારબાદ તા.૨૮-૧૦-૨૦૨૦ ના રોજ મારૃં તથા મારા પરિવારનું મેડિકલ ચેકઅપ અમદાવાદની હોસ્પિટલમાં કરાવ્યું હતું.અને તે સમયે મારા પરિવારના અસલ ડોક્યુમેન્ટ્સ એક કવરમાં મુકીને સચિનને આપ્યા હતા.અમે વડોદરાથી પરત આવતા હતા.તે સમયે મૃગેશેે ફોન કરીને  કહ્યું  હતું કે,હું દુમાડ ચોકડી ઉભો છુ.તમારૃં મેડિકલ સર્ટિફિકેટ તથા ૫૦ હજાર રૃપિયા મને આપી જાવ.

અત્યારસુધી મેં કુલ ૪.૫૯ લાખ રૃપિયા તેને ચૂકવ્યા છે.ત્યારબાદ મેં સચિનને વિઝા બાબતે વાત કરતો હતો ત્યારે તે મને ભરોસો અને વિશ્વાસ આપતો હતો.પરંતુ,મારૃં વિઝાનું કામ થયુ નહતું.જેથી,મને બંને પર શંકા ગઇ હતી.ત્યારબાદ મેં મૃગેશ અને સચિન  પાસે રૃપિયાની પરત માંગણી કરતા તેઓ રૃપિયા પરત આપતા નહતા.અને ખોટા વાયદા કરતા હતા.મૃગેશ ક્યાંક ભાગી ગયો હતો.અને સચિન પાસે રૃપિયા માંગતા તેણે એવું કહ્યું કે મૃગેશ મળી આવશે તો રૃપિયા પરત આપી દઇશ.મેં તમારા રૃપિયા લીધા નથી.પાણીગેટ  પોલીસે બંનેને પકડી પાડી આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવ્યા છે.તેનો  રિપોર્ટ આવ્યા પછી ધરપકડ કરવામાં આવશે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓએ અત્યારસુધી રાજ્યના વિવિધ શહેરોમાં કરેલી છેતરપિંડીનો આંકડો એક કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે.

(6:24 pm IST)