ગુજરાત
News of Tuesday, 3rd August 2021

ઉત્તર ગુજરાતના અરવલ્લી જીલ્લામાં માત્ર 21 ટકા જ વરસાદ પડતા કફોડી સ્‍થિતિઃ નર્મદાનું પાણી ન છોડાય તો લોકો પાણી વગર ટળવળશે

વરસાદ આશા પ્રમાણે નહીં વરસે તો પીવાના પાણીના વ્‍યવસ્‍થા થઇ શકશે પરંતુ સિંચાઇની વ્‍યવસ્‍થા ખોરવાશે

અરવલ્લી: ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. 21 ટકા જ વરસાદ જિલ્લામાં ઓગસ્ટ માસની શરૂઆત સુધીમાં નોંધાતા જળાશયોમાં પાણીં અછત સર્જાઈ છે. જેના કારણે આગામી સમયમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ બની શકે તેમ છે. અરવલ્લી જિલ્લાના જળાશયોમાં હાલ સરેરાશ 0 થી 40 ટકા જેટલું પાણી બચ્યું છે. વાત્રક,માઝુમ, મેશ્વો, વૈડી, લાંક પાંચ જળાશયોમાં પાણીનો જથ્થો ખુબ ઓછો છે. મોડાસા શહેર પાસે આવેલ માઝુમ જળાશયમાં પાણીનો જથ્થો 36 ટકા છે. જેના કારણે વરસાદ ન પડયો તો મોડાસા શહેર માટે પીવાનું પાણી મળવું મુશ્કેલ બનશે. બીજી તરફ આ જળાશયના આધારે ખેતી કરતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું સિંચાઈ વિભાગ માટે પણ કઠિન છે. ખેડૂતો સાથે વાતચીતમાં ખેડૂતોએ નર્મદાના પાણી ડેમમાં ઠાલવવા માંગણી કરી છે. જેથી ચોમાસુ ખેતી નિષ્ફળ ગયા બાદ શિયાળુ ખેતી માટે એક આશા ઉભી થઇ શકે.

અરવલ્લી જિલ્લાના જળાશયોમાં આવતા પાણીનો સ્ત્રોત રાજસ્થાન તરફથી આવતી નદીઓ છે.રાજસ્થાનના ડુંગર પૂર સહિતના વિસ્તારોમાં પડતા વરસાદના આધારે ડેમમાં પાણી આવતું હોય છે તેવા સંજોગોમાં સ્થિતિ કફોડી બની શકે છે.બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે.સીઝનમાં 21 ટકા વરસાદના કારણે જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે.જિલ્લામાં 2 લાખ હેકટર જમીનમાં ખેતીમાં વાવેતર થાય છે પંરતુ વરસાદના અભાવે વાવેતર ઘટ્યું છે.તેવા સંજોગોમાં ખેડૂતો માટે મોટી મુશ્કેલી રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાતચીતમાં તેમને જણાવ્યું કે વરસાદ આશા પ્રમાણે નહિ પડે તો પીવાના પાણીની વ્યવસ્થા કરી શકીશું પણ સિંચાઈ માટેની વ્યવસ્થા ખોરવાઈ શકે છે.

અરવલ્લી જિલ્લાના પાંચ જળાશયોમાં ટકાવારી પ્રમાણે પાણીનો જથ્થો...

1.માજુમ-36.82 ટકા

2.વાત્રક-31.20 ટકા

3.મેશ્વો-43 ટકા

4.વૈડી-16.38 ટકા

5.લાંક -00.71 ટકા

(4:57 pm IST)