ગુજરાત
News of Tuesday, 3rd August 2021

૫ લાખે એક બાળકમાં હોય છે આ દુર્લભ સ્થિતિ

૧૮ માસની બાળકીના પેટમાંથી કઢાયું અવિકસિત ભ્રૂણ

'ફિટસ ઈન ફિટુ' જેવી દુર્લભ સ્થિતિનો શિકાર બની હતી બાળકીઃ ૧૮ મહિનાની બાળકીનું પેટ ફુલી જતાં માતાપિતાને ચિંતા થઈ હતીઃ મધ્યપ્રદેશમાં કેટલાય ડોકટરોને ત્યાં ધક્કા ખાધા પરંતુ બાળકીની પીડા દૂર ના થઈ

અમદાવાદ, તા.૩: સિવિલ હોસ્પિટલના તબીબોએ માત્ર ૧૮ મહિનાની બાળકીના પેટમાંથી ૪૦૦ ગ્રામનું અવિકસિત ભ્રૂણ જટિલ સર્જરી થકી દૂર કર્યું છે. ૫ લાખે એક બાળકમાં 'ફિટસ ઈન ફિટુ' જેવી દુર્લભ સ્થિતિ જોવા મળે છે. બાળ સર્જરી વિભાગના તબીબોએ સફળતાપૂર્વક સર્જરી પાર પાડી છે. નોંધનીય છે કે, ટ્વિટરના માધ્યમથી મધ્યપ્રદેશના પરિવારજનો બાળકીની સર્જરી માટે સિવિલ હોસ્પિટલના તબીબોના સંપર્કમાં આવ્યા હતા.

મધ્યપ્રદેશના નીમુચ જિલ્લામાં રહેતા હર્ષિતભાઈ જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૧૮ મહિનાની દીકરી વેદિકાની પેટમાં ગાંઠની તકલીફને લઈને તેમણે મધ્યપ્રદેશની વિવિધ હોસ્પિટલોના ધક્કા ખાધા હતા. દીકરીનું પેટ અચાનક ફુલી જવાથી તેણી અત્યંત વેદના સહન કરવી રહી હતી. વિવિધ રિપોર્ટ કરાવતા દીકરીના ગર્ભમાં અવિકસીત ભ્રૂણ હોવાનું નિદાન થયું હતું. આ ભ્રૂણને દૂર કરવાની સર્જરી અત્યંત પડકારજનક અને જોખમી હોવાથી ત્યાંના ડાઙ્ખકટરો તૈયાર થયા નહોતા. જે બાદ નરોડોમાં રહેતા સંબંધીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં આ પ્રકારની સર્જરી શકય હોવાનું જણાવ્યું હતું. જેથી બાળકીના પિતાએ ટ્વિટરના માધ્યમથી સિવિલના તબીબોનો સંપર્ક કર્યો હતો.

વેદિકાના માતાપિતા તેને લઈને અમદાવાદ સિવિલ આવી પહોંચ્યા. ત્યારબાદ તેનું ઘ્વ્ સ્કેન કરવામાં આવ્યું ત્યારે દોઢ વર્ષની વેદિકાના પેટમાં ૪૦૦ ગ્રામનું અવિકસિત ભ્રૂણ હોવાનું ચોક્કસ તારણ મળ્યું હતું. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડાઙ્ખ. રાકેશ જોષી પાસે આ પ્રકારની અત્યંત જટિલ સર્જરી કરવાનો અનુભવ હોવાથી તેમણે પોતાની ટીમ સાથે આ સર્જરી પાર પાડવાનું બીડું ઝડપ્યું.

બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. જયશ્રી રામજી અને એનેસ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. તૃપ્તિ શાહના સહયોગથી સમગ્ર સર્જરી ૩ કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડીને ભ્રૂણને દૂર કરવામાં આવ્યું હતું.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. જે.વી. મોદીએ કહ્યું કે, હોસ્પિટલમાં રાજય બહારથી સારવાર અર્થે આવતા દર્દીઓનો પણ ધસારો જોવા મળે છે. સિવિલ હોસ્પિટલના ડોકટરો કયારેય કોઈ દર્દીને સારવાર માટે ના નથી પાડતા. તબીબો દ્વારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રીતે તમામ સુવિધાઓ ઉપલ્બધ કરાવામાં આવી રહી છે.

આ પ્રકારના ભ્રૂણના વિકાસ માટે પેરાસાયટિક ટ્રિવન અને ટેરેટોમેટ્સ એમ બે પ્રકારની થિયરી કામ કરે છે. વેદિકામાં જોવા મળેલું ભ્રૂણ આ બંનેમાંથી કોઈપણ થિયરીના કારણે વિકસીત થયાની સંભાવના હતી. જેમાં ગર્ભની શરૂઆત થાય ત્યારે અંડકોષ ફલિત થયા બાદ બે ભાગમાં વહેંચાયું હશે તેમ માનવામાં આવે છે. જેમાંથી એક સામાન્ય બાળક અને બીજો અંડકોષ બાળકમાં સમાઈ જતાં 'ફિટસ ઈન ફિટુ' એટલે કે ગર્ભમાં ગર્ભનો વિકાસ થાય છે. તેમાં જીવિત બાળકમાંથી લોહી પહોંચે છે અને મગજ, ફેફસા, હૃદય જેવા અંગો હોય છે પરંતુ તે નિષ્ક્રિય રહે છે.

સર્જરીની વિગતો આપતા ડો. રાકેશ જોષીએ કહ્યું, '૧૮ મહિનાની બાળકીના પેટમાં અવિકસિત ગર્ભ હોવાની ૨૦ વર્ષની કારકીર્દિમાં ત્રીજી ઘટના જોવા મળી છે. વિશ્વમાં પાંચ લાખ બાળકોએ એક બાળકમાં આ પ્રકારની અત્યંત જટિલ સ્થિતિ જોવા મળે છે. સર્જરી દરમિયાન ચોકસાઈ અને તકેદારી ના રાખવામાં આવે તો બાળકીની ધોરી નસ, જમણી કિડની, સ્વાદુપિંડ, યકૃત અને કિડનીના રકતસ્ત્રાવને નુકસાન પહોંચવાની પ્રબળ સંભાવના છે. આ તમામ બાબતોની સાવધાની રાખીને સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.'

(10:37 am IST)