ગુજરાત
News of Tuesday, 3rd August 2021

પાટણમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સંવેદનશીલતા : નિરાધાર બાળકોની મુલાકાત કરી તેમની સાથે ભોજન લીધું

અનાજ, અભ્યાસ અને વિદેશ અભ્યાસ માટે લોન સહિતની જરૂરિયાતોની રાજ્ય સરકાર ચિંતા કરી :નુકશાનની ભરપાઈ માટે સરકાર કૃતનિશ્ચયી

પાટણ શાકમાર્કેટ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બાળકો પ્રતિ સંવેદનશીલતાની પ્રતિતિ કરાવી હતી. સેવા સેતુ કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ શહેરના નવા સર્કિટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રીએ કોરોનાકાળમાં નિરાધાર બનેલા બાળકો સાથે મુલાકાત કરી તેમની સાથે ભોજન લીધું હતું.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિરાધાર બાળકો સાથેની મુલાકાત દરમ્યાન તેમને જણાવ્યું હતું કે, તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ મહામારીના કારણે તમે જે ગુમાવ્યું છે તે બદલ તમારા અનાજ, અભ્યાસ અને વિદેશ અભ્યાસ માટે લોન સહિતની જરૂરિયાતોની રાજ્ય સરકાર ચિંતા કરી રહી છે. તમને થયેલા નુકશાનની ભરપાઈ માટે સરકાર કૃતનિશ્ચયી છે.

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં આયોજીત સંવેદના દિન અંતર્ગત પાટણના નવા શાકમાર્કેટ ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતમાં જિલ્લા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા માં કાર્ડના લાભાર્થીઓને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે શૈક્ષણિક કીટ તથા સહાય હુકમનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે મારી સરકાર પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા એમ ચાર આધારસ્થંભ પર કામ કરશે તેવી નેમ વ્યક્ત કરી હતી. જેને સાર્થક કરતાં રાજ્ય સરકાર માનવીય અભિગમ દાખવી નાગરિકોની મુશ્કેલીના નિરાકરણ માટે કામ કરી રહી છે. વિવિધ સહાયના ફોર્મ ભરવા માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તંત્રના આટાપાટામાં હેરાન ન થવું પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમો થકી જરૂરિયાતમંદોને સામેથી વિવિધ યોજનાઓના લાભ એક સાથે એક સ્થળે મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વધુમાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, કોરોના મહામારી દરમ્યાન જે લોકોના જીવ બચાવી નથી શકાયા તેમના નિરાધાર બાળકો પ્રતિ સંવેદના દાખવી મુખ્યમંત્રી દ્વારા બાળ સેવા યોજના તથા આફ્ટર કેર યોજનાનો અમલ કરી રાજ્ય સરકાર નોધારાનો આધાર બની છે.

રાજ્યનો આ વિકાસ કાયદો અને વ્યવસ્થાના સુચારૂ અમલને આભારી છે તેમ જણાવી ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેર્યું કે, વર્તમાન સરકાર દ્વારા ગૌવંશની હત્યા બદલ મૃત્યુદંડ, કોમી તોફાનો કરવા બદલ પાસા હેઠળ કાર્યવાહી, ધર્માંતરણ સામે રક્ષણ માટે લવ જેહાદ, ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂતોની જમીન પચાવી પાડનારા તત્વો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતના કાયદાઓના અમલીકરણ દ્વારા રાજ્યના નાગરિકો શાંતી, સલામતી અને સુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે

(12:32 am IST)