ગુજરાત
News of Monday, 3rd August 2020

અમદાવાદના વાસણામાં ઘરકામ બાબતે શેઠાણીએ નોકરાણીને ગડદા પાટુ માર્યા : ચપ્પુથી હુમલો કર્યો

નોકરાણીએ ચપ્પુ હાથમાં પકડી લેતા ડાબા હાથની હથેળીમાં ગંભીર ઈજા

અમદાવાદ: વાસણાના જયદીપ ટાવરમાં ઘરકામ બાબતે ગુસ્સે ભરાયેલા શેઠાણીએ નોકરાણીને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી માથામાં અને કમરના ભાગે ઈજાઓ કરી તેમ છતાં ગુસ્સો શાંત ના થતાં શેઠાણીએ ટેબલ પર પડેલું ચપ્પુ નોકરાણીને મારવા ઉગામ્યું હતું. નોકરાણીએ પોતાનો બચાવ કરવા ચપ્પુ હાથમાં પકડી લેતા ડાબા હાથની હથેળીમાં ગંભીર ઈજા થઇ હતી. શેઠાણીનો ગુસ્સો આસમાને હોવાથી જીવ બચાવવા નોકરાણી ઘરની બહાર દોડી અને સ્થાનિકોએ ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. રવિવારે સવારે 10 વાગ્યે બનેલી આ ઘટના અંગે વાસણા પોલીસે નોકરાણીની ફરિયાદને પગલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે ઘરકામ બાબતે શેઠાણી આટલો ગુસ્સો ના કરે કારણ કોઈ બીજું હોવું જોઈએ તેવી ચર્ચા સાથે સ્થાનિકોમાં રમૂજ ફેલાઈ હતી.

બિહારના પટના જિલ્લાના દાનાપુરની રહેવાસી પ્રીતિકુમારી સુનિલકુમાર રામ (ઉં,25) વાસણાના જયદીપ ટાવરમાં રહેતાં શાંતનુ સિંઘના ફ્લેટમાં રહી ઘરકામ કરે છે. શાંતનુ સિંઘના પરિવારમાં તેમની પત્ની કલ્યાણીદેવી અને માતા સુષ્માદેવી છે. પ્રીતિકુમારી છેલ્લા ચાર વર્ષથી શાંતનુ સિંઘના ઘરે રહી તેમના ઘરનું કામકાજ કરે છે. તેના પરિવારમાં કોઈ ન હોવાથી તે એકલી છે.

રવિવારે સવારે 10 વાગ્યે શાંતનુ સિંઘની પત્ની કલ્યાણીદેવીએ પ્રીતિકુમારીને, “તું ઘરનું કામ સરખુ કરતી નથી.” તેમ કહી અપશબ્દો બોલી મારમારવાનું શરૂ કર્યું હતું. ગુસ્સો શાંત ના થતાં કલ્યાણીદેવી ટેબલ પરથી ચપ્પુ ઉપાડી પ્રીતિકુમારીને મારવા જતી હતી. આથી પ્રીતિકુમારીએ ચપ્પુ પકડી લેતાં તેના ડાબા હાથની હથેળીમાં ઈજાઓ થઈ અને બચાવ માટે પ્રીતિકુમારી ઘરની બહાર દોડી હતી. સ્થાનિક કોઈ વ્યક્તિએ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં ફોન કર્યો હતો. પ્રીતિકુમારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.

બનાવની જાણ થતાં વાસણા પોલીસે સિવિલ હોસ્પિટલમાં જઈ પ્રીતિકુમારીનું નિવેદન લઈ રવિવારે રાત્રે આરોપી શેઠાણી કલ્યાણીદેવી શાંતનુ સિંધ વિરૂધ્ધ આઈપીસીની કલમ 294, 323 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:17 pm IST)