ગુજરાત
News of Sunday, 3rd July 2022

સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે તિથલનો દરિયો બન્યો તોફાની : દરિયાકિનારે સ્થાનિક પોલીસને તૈનાત કરાઈ

દરિયાના મોજા તોફાની બનતા તેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા : દરિયો ન ખેડવા માછીમારોને સૂચના

વલસાડ તા. 03 : રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા પોતાનો હેત વરસાવી રહ્યા છે. જેને કારણે રાજયનાં દરિયાઓ પણ તોફાની બન્યા છે. ત્યારે વલસાડનાં તિથલ દરિયા,માં પણ કરંટ જોવા મળ્યું હતું. જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોટા પ્રમાણમાં લોકો દરિયાકિનારે ઉમટી પડતા સ્થાનિક પોલીસ દરિયાકિનારે તૈનાત થઈ હતી.

અષાઢી બિજથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 143 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 5 ઈંચ, દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ અને જૂનાગઢના માણવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ જૂનાગઢ શહેર અને તાલુકામાં 4-4 ઈંચ, તાપીના ડોલવણ તાલુકામાં ચાર ઈંચ, નવસારીના ખેરગામમાં 4 ઈંચ, મહિસાગરના વીરપુરમાં 4 ઈંચ વરસાદ તેમજ 33 તાલુકાઓમાં 2.5 ઈંચથી લઈને 4 ઈંચ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં ચોમાસાની શરુઆતમાં મેઘરાજાની અવિરત કૃપા જોવા મળી રહી છે. રાજ્યમાં પાછલા એક અઠવાડિયાથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાં નદી-નાળા છલકાયા છે. અનેક ડેમમાં નવા નીરની આવક થઇ છે. ચોમાસાની શરુઆતમાં જ સારો એવો વરસાદ વરસતા ખેડૂતો સહિત વહીવટી તંત્રની ચિંતા પણ હળવી બની છે.

(10:59 pm IST)