ગુજરાત
News of Sunday, 3rd July 2022

પાવાગઢમાં ભક્તોની ભીડ જામી : પાવાગઢનો આહલાદક નઝારો જોઈ ભાવિકોએ માણી મજા

વાતાવરણ બદલાતા મનમોહક દ્રશ્યો સર્જાયા : રાત્રે લાઈટ અને કુદરતી ધૂમમ્સ ભેગા થતા મનમોહક દ્રશ્યો સર્જાયા

પાવાગઢ તા. 03 : યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવારે મોડી રાતથી જ માઇભક્તો મહાકાળી માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવી માતાજીના દર્શન મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે રાત્રે લાઈટ અને કુદરતી ધૂમમ્સ ભેગા થતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. જેની ભાવિકો ભરપૂર મજા માણી હતી.

યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે મહાકાળી માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરથી લઇ ડુંગર પર માતાજીના મંદિર સુધી માનવ કીડિયારું ઊભરાયેલું જોવા મળ્યું હતું. અને ૫૦૦ વર્ષ બાદ મહાકાળી માતાજીના મંદિરના શિખર પર લહેરાતી ધજાને જોઈને માઈભક્તો ખુશ થઈ ધન્ય થયા હતા. સાથે સાથે યાત્રાધામ પાવાગઢનો અદભૂત નજારો સામે આવ્યો હતો. રાત્રે લાઈટ અને કુદરતી ધૂમમ્સ ભેગા થતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. જાણે પાવાગઢ હિલ સ્ટેશનમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું.

યાત્રાધામ પાવાગઢ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ૫૦૦ વર્ષના બાદ મહાકાળી માતાજીના અતિ ભવ્ય અને વિશાળ મંદિર પરના શિખર પર ઐતિહાસિક ધ્વજારોહણ કરવામાં આવતા ગુજરાત રાજ્ય સહિત આંતરરાજ્યના કરોડો માઇભક્તોમાં ખુશહાલી વ્યાપી જવા પામી હતી. શનિવારે મોડી રાતથી જ યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોના ઘસારો જોવા મળ્યો હતો. જ્યારે પોલિસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

(10:58 pm IST)