ગુજરાત
News of Sunday, 3rd July 2022

પ્રાથમિક શાળાના આચાર્યને કારમાં ગોંધી રાખી લૂંટી લીધા

ધાનેરા તાલુકાની સ્કૂલના આચાર્યને લિફ્ટ લેવી મોંઘી પડીઃતેઓને માર મારીને તેમની પાસેની રોકડ, મોબાઈલ, એટીએમ કાર્ડ સહિત કુલ રુપિયા બે લાખની લૂંટ ચલાવી

બનાસકાંઠા, તા.૩ :ધાનેરા તાલુકાના જાડી પ્રાથમિક શાળાના આચાર્યને લિફ્ટ લેવી મોંઘી પડી ગઈ હતી. પોતાના વતન ગયા બાદ ત્યાંથી આચાર્ય પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓ ડીસાના ગાયત્રી મંદિર નજીક ઊભા હતા. ત્યારે તેઓએ પ્રાઈવેટ કાર પાસે લિફ્ટ લીધી હતી. કારમાં સવાર શખસોએ લિફ્ટ આપ્યા બાદ આચાર્યને છ કલાક સુધી કારમાં ગોંધી રાખ્યા હતા. બાદમાં તેઓને માર મારીને તેમની પાસેની રોકડ, મોબાઈલ, એટીએમ કાર્ડ સહિત કુલ રુપિયા બે લાખની લૂંટ ચલાવી હતી. બાદમાં આચાર્યને કારમાંથી ઉતારી દઈ શખસો ફરાર થઈ ગયા હતા. આ મામલે આચાર્યએ ડીસા શહેર ઉત્તર વિભાગ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ધાનેરાના જાડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ચંદ્રકાત સુતરીયા પોતાના વતન ઈડર ગયા હતા. ગઈ ૩૦ જૂનના રોજ તેઓ પોતાના વતન ઈડરથી ધાનેરા આવવા માટે નીકળ્યા હતા. આ સમયે આચાર્ય ચંદ્રકાતભાઈ ડીસાના ગાયત્રી મંદિર પાસે વાહનની રાહ જોઈને ઊભા હતા. રાત્રીના નવ વાગ્યાના સમયે એક કાર ચાલક સાંચોર જતો હોવાથી તેઓ તેમાં બેસ્યા હતા. આ કારમાં અન્ય ચારેક જેટલાં શખસો પણ પહેલેથી જ બેસેલાં હતા.કાર ચાલકે અખોલ ચોકડી પાસે આવેલી જોરબા હોટલ નજીક કાર ઊભી રાખી હતી. બાદમાં કારની પાછળની સીટમાં બેસેલા શખસોએ ચંદ્રકાંતભાઈને માર મારીને બાંધી દીધા હતા. બાદમાં તેમના ખિસામાંથી રોકડ રુપિયા સાત હજાર, મોબાઈલ, બેંકની ચેકબુક, ત્રણ એટીએમ કાર્ડ, સોનાની ચેઈન, ઘડિયાળ સહિતની ચીજવસ્તુઓ પડાવી લીધી હતી. એટલું જ નહીં તેમને ડરાવી ધમકાવીને એટીએમ કાર્ડના પાસવર્ડ જાણી લીધા હતા. બાદમાં એટીએમમાંથી રુપિયા ૧,૪૨,૦૦૦ પણ ઉપાડી લીધા હતા. આમ આ શખસોએ તેમની પાસેથી કુલ રુપિયા ૨ લાખની લૂંટ ચલાવી હતી.બાદમાં આચાર્યની આંખો પર પાટા બાંધી દીધા હતા અને છ કલાક સુધી કારમાં ગોંધી રાખ્યા હતા. એ પછી આ શખસો મોડી રાત્રે આચાર્યને ચંડીસર નજીક ઉતારીને ફરાર થઈ ગયા હતા. આ મામલે આચાર્ય ચંદ્રકાતભાઈએ ડીસા પોલીસ સ્ટેશનમાં આ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(10:06 pm IST)