ગુજરાત
News of Sunday, 3rd July 2022

બોરસદ તાલુકામાં ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થયું : સીસ્વા ગામ બેટમાં ફેરવાયુ

સતત ત્રીજા દિવસે પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા : સીસ્વામાં ભારે વરસાદને કારણે 15 મકાનોનો હજુ પણ પાણીમાં ગરકાવ

આણંદ તા.03 : આણંદ જિલ્લાનાં બોરસદ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. જેને પગલે બોરસદ તાલુકામાં 12 ઇંચ જેટલો વરસાદ અત્યારસુધીમાં ખાબકી ગાયો છે. જેને પગલે હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ સીસ્વામાં ભારે વરસાદને પગલે 15 મકાનોનો હજુ પાણીમાં ગરકાવ થયેલો છે.

બોરસદ તાલુકાના સીસ્વામાં ભારે વરસાદએનઇ કારણે 15 મકાનોનો હજુ પણ પાણીમાં ગરકાવ થયેલો છે. સીસ્વામાં રોગચાળો ન વકરે તે માટે વહીવટી તંત્રની ટીમે ગામમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તેમજ આરોગ્ય તંત્રની ટીમે લોકોના આરોગ્યની ચકાસણી હાથ ધરી છે. સીસ્વા ગામમાં ભારે વરસાદથી થયેલી નુકસાનીનો સર્વે કરવા જિલ્લા પંચાયત અને અન્ય ટીમ પહોંચી છે. તો બીજી તરફ અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું.

બીજી તરફ બોરસદના સીસ્વા ગામે ધીમે ધીમે પાણી હવે ઓસરવા લાગ્યા છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ પાણી ભરાયેલા છે. પાણી ઓસર્યા બાદ છેક હવે જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ સક્રિય થયા છે. જે વિસ્તારોમાં પાણી ઓસર્યા છે તે વિસ્તારોમાં નુક્સાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સીસ્વા ગામે આવેલા પૂરના કારણે અત્યાર સુધીમાં 3 લોકો અને 94 પશુઓના મોત થઈ ચૂક્યા છે.

(9:13 pm IST)