ગુજરાત
News of Sunday, 3rd July 2022

ખુન જેવા અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ પ્રવીણ રાઉતને બિહારથી ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને પ્રોત્સાહિત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી : ઘરફોડ ચોરીઓ અને ગંભીર ગુનાહોમાં નાસતી ફરતી ચિકલીગર ગેંગને જેલ હવાલે કરનાર ટીમનું પણ થયું સન્માન

બન્ને ટીમોને ખાસ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : પરિવારની કે જીવની ચિંતા વગર રાજ્યની સુરક્ષા માટે જ્યાંની પોલીસ અગ્રેસર છે તેવા રાજ્યનો ગૃહ મંત્રી હોવાનું ગર્વ છે - શ્રી સંઘવી

સુરત : રાજ્યની શાંતિ અને સલામતી જેમની પ્રાથમિકતા છે તેવા પોલીસના અધિકારી/ કર્મચારીઓ એ ગત કેટલાક દિવસોમાં અનેક અઘરા કેસો ને સફળતા પૂર્વક ઉકેલ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવા જ બે કેસો ઉકેલીને ગંભીર ગુનહોમાં સંડોવાયેલા અપરાધીઓને જેલ હવાલે કર્યા છે.

એક કિસ્સામાં છ વર્ષથી વોન્ટેડ એવા પ્રવીણ રાઉત ને છેક બિહારથી યોજનાપૂર્વક ધરપકડ કરી જેલનહવલો કરાયો હતો. ગુજરાતના અનેક વેપારીઓ સાથે છેતરપિંડી કરી અનેક હત્યાના ગુનાહોમાં વર્ષોથી વોન્ટેડ મૂળ બિહાર નલાંદનો રહેવાસી પ્રવીણ રાઉત બિહારના કોઈ નાના ગામમાં છુપાયેલો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ૧૦ લોકોની ટીમ દ્વારા અનેક દિવસોની મહેનત, બાતમી, મોબાઈલ નેટવર્કના નિરીક્ષણ અને પ્લાનિંગથી જીવનાં જોખમ પર ધરપકડ કરી હતી. 

તો બીજા કિસ્સામાં ગુજરાતના અનેક ગામો - શહેરોમાં ઘરફોડ ચોરીઓ કરતી ગેંગને પકડી પાડવામાં પણ સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. સમયાંતરે જગ્યાઓ બદલી સતત ઘરફોડ ચોરીઓની અંજામ આપતી ચિકલીગર ગેંગ પર ક્રાઇમ બ્રાન્ચની ઘણા સમયથી નજર હતી. અનેક વિડિયો ફૂટેજ, બાતમી, અને લીડને અનુસરીને નવસારીમાં કોઈ ઘરફોડ ચોરીને અંજામ આપી પરત ફરી રહેલી સમગ્ર ગેંગ ના 4 સભ્યો અને મુદ્દામાલ સહિત ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા દિલ ધડક રીતે ધરપકડ કરવામાં આવી હતી.

આ બંને ટીમોની કામગીરી ને બિરદાવવા અને ટીમોને કામગીરી બદલ પ્રોત્સાહિત કરવા ખાસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. શ્રી સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ બંને કેસ ઉકેલનાર ટીમોને ખાસ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા છે. આ બંને ટીમોને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે રોકડ પુરસ્કાર માત્ર પ્રતીકાત્મક છે. પોતાના પરિવાર કે જીવની પરવા કર્યા વગર સતત ગુનેગારોની હિલચાલ પર નજર રાખી ખૂંખાર ગુનેગારોને ઝડપવામાં ગુજરાત પોલીસ અગ્રેસર છે. તેમને કહ્યું કે આવા જાંબાઝ પોલીસ જે રાજ્યની છે તેના ગૃહ મંત્રી હોવાનું મને ગર્વ છે. દેશભરમાં ગુજરાતને સલામતી અને સુરક્ષામાં અવ્વલ રાખનાર રાજ્યની પોલીસનો શ્રી સંઘવીએ આભાર માન્યો હતો અને સુરત ક્રાઇમ બ્રાંચના તમામ પોલીસ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

(8:09 pm IST)