ગુજરાત
News of Sunday, 3rd July 2022

ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘરાજાની મહેર વચ્‍ચે વરસાદની આગાહી : અત્‍યાર સુધીમાં સિઝનનો સરેરશ વરસાદ ૧ર ટકાને પાર થઇ ગયો

રાજયનાં ૧૩૮ તાલુકામાં વરસાદ વરસ્‍યો :૪૮ તાલુકામાં સિઝનનો ૧૦ ઇંચ સુધી વરસાદ પડ્યો

ગાંધીનગર :  રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી મહેર યથાવત રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. શનિવારે દિવસ દરમિયાન સૌથી વધુ 5 ઇંચથી પણ વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના ખંભાળિયામાં નોંધાયો છે. આ સાથે જૂનાગઢના માણાવદર, તાપીના ડોલવણ, મહિસાગરના વીરપુર, નવસારીના ખેરગામમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ સવારે 6થી રાત્રે 8 વાગ્યા દરિયાન નોંધાયો છે જ્યારે ખંભાળિયા, નવસારીના વાંસદા, જૂનાગઢના વંથલી, જૂનાગઢ, કચ્છના માંડવી, માળિયા, જામજોધપુર, ગણદેવી, વાપીમાં પણ ત્રણ ઇંચ અને તેથી વધુ વરસાદ પડ્યો છે.

રાજ્યના કુલ 138 તાલુકામાં શનિવારે દિવસ દરમિયાન વરસાદી હેલી યથાવત રહી છે જે પૈકી 59 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યારસુધીનો સૌથી ઓછો વરસાદ છે તે કચ્છ ઉપર પણ મેઘ મહેર વરસી છે. ખાસ કરીને અત્યારસુધીમાં એકપણ ટીપું પડ્યું ન હતું તેવા કચ્છના લખપત તાલુકામાં સાંજે 4થી 6 વાગ્યાના બે જ કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદ પડતાં રાજ્યમાં સરેરાશ વરસાદ 12.03 ટકાએ પહોંચ્યો છે.

આણંદ જિલ્લામાં સતત બીજા દિવસે પણ છુટાછવાયો વરસાદ, બોરસદમાં 1 ઇંચ, આણંદમાં 5 મિમી, આંકલાવ અને ઉમરેઠમાં 4 મિમી વરસાદ નોંધાયો, બોરસદમાં કાંસમાં તણાયેલા યુવકના મુતદેહને શોધવા જિલ્લા વહીવટી તંત્રએ એનડWીઆરએફની ટીમ ઉતારી, સિસ્વા ગામે લાપત્તા થયેલા યુવાનનો મૃતદેહ મળ્યો, વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા ગામના અનેક લોકો બેઘર બન્યાં, ખંભાતમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસના ચોરખાડીના પાણી કલમસરના વિસ્તારોમાં ઘૂસ્યાં હતી.

48 તાલુકામાં સિઝનનો 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી માહિતી મુજબ રાજ્યના મોટાભાગના તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. માત્ર બે તાલુકા હજુ પણ કોરા રહ્યા છે. 104 તાલુકામાં સિઝનમાં 2થી 5 ઇંચ, 48 તાલુકામાં 5થી 10 ઇંચ, 17 તાલુકામાં 10થી 20 ઇંચ , 78 તાલુકામાં બે ઇંચ સુધીનો જ્યારે 2 તાલુકામાં 20થી 40 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

આણંદ જિલ્લામાં 380 લોકોનું રેસ્ક્યુ, સરકારી સમીક્ષા કરી

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં પૂરગ્રસ્ત વિસ્તારમાંથી એનડીઆરએફ દ્વારા 380 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે બોરસદ તાલુકામાં માત્ર 6 કલાકમાં 11 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણી સાથે ફોન પર ચર્ચા કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે ભારે વરસાદને કારણે મૃત્યુ પામેલી 1 વ્યક્તિ અને 90 પશુઓની સામે સંબંધિત લોકોને ત્વરિત વળતર આપવાની સૂચના આપી હતી.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ વરસાદમાં 4 ટકાનો વધારો

રાજ્યના સરેરાશ વરસાદમાં છેલ્લા 24 કલાકમાં 2 ટકાનો વધારો થયો છે જ્યારે દ.ગુજરાત અને ઉ.ગુજરાતમાં સરેરાશ વરસાદમાં 4 ટકાનો વધારો થયો છે. ઉ. ગુજરાત ઝોનમાં સિઝનનો સરેરાશ વરસાદ 4.20 ટકા હતો.

ક્યાં કેટલો વરસાદ?

દિયોદર 8 ઇંચ

ડીસા 5 ઇંચ

અમીરગઢ 5 ઇંચ

ખંભાળિયા 5 ઇંચ

માણાવદર 4 ઇંચ

વીરપુર (મહિસાગર)

4 ઇંચ

ખેરગામ (નવસારી) 4 ઇંચ

બારડોલી 5 ઇંચ

ઓલપાડ 4.5 ઇંચ

અઠવાડિયા દરમિયાન ઝાપટાથી ભારે વરસાદનો વરતારો –

3 જુલાઇ – સુરત, નવસારી, જૂનાગઢમાં ભારે વરસાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ડાંગ, વલસાડ, તાપી, કચ્છ, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર-સોમનાથમાં મધ્યમથી ભારે વરસાદ

4 જુલાઇ – નવસારી, વલસાડ, દમણ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદ

5 જુલાઇ – ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં ભારે તેમજ પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવમાં મધ્યમથી ભારે વરસાદ

6. જુલાઇ – વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે વરસાદ, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ

7 જુલાઇ – નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે વરસાદ જયારે પંચમહાલ,, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ ભાવનગર, ગીર-સોમનાથમાં મધ્યમથી ભારે વરસાદ

(1:08 pm IST)