ગુજરાત
News of Sunday, 3rd July 2022

ભરૂચ અંકલેશ્વર વચ્ચે સતત બીજા દિવસે હાઇવે ઉપર 15 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો

નેશનલ હાઇવે 48 ઉપર બે દિવસથી જામતા અજગરી ચક્કાજામ પાછળ બ્રિજની ચાલતી કામગીરી પણ કારણભૂત

ભરૂચ અંકલેશ્વર વચ્ચે શનિવારે સતત બીજા દિવસે હાઇવે ઉપર 15 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી ,ચોમાસાની મોસમમાં ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાડા પડતા વાહનોની નિયત ગતિ ઉપર બ્રેક લાગી જાય છે. ધીમી ગતિએ વાહનો પસાર થતા ધીમે ધીમે ટ્રાફિકજામ કિલોમીટર સુધી પોહચી જાય છે.

વરસાદી માહોલમાં હાઇવે ઉપર પડતા ખાડા અને રસ્તાના ધોવાણને લઈ વાહનોની ગતિ ઉપર બ્રેક વાગી જાય છે. જોકે માત્ર ખાડા જ નહીં ભરૂચ નેશનલ હાઇવે 48 ઉપર બે દિવસથી જામતા અજગરી ચક્કાજામ પાછળ બ્રિજની ચાલતી કામગીરી પણ કારણભૂત છે.

હાલ ખરોડ નજીક બ્રિજ બની રહ્યો છે. જેથી સિંગલ લેનમાં જ બન્ને તરફનો ટ્રાફિક પસાર કરવામાં આવે છે. સર્વિસ રોડ પણ નહીં હોવાથી હાઇવે પર ટોલ ટેક્સથી લઈ અંકલેશ્વર તરફ છેક ખરોડ સુધી વાહનોની કતારો ખડકાઈ રહી છે. કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સાથે જ ઇંધણનો ધુમાડો અને સમયનો પણ વેડફાટ થઈ રહ્યો છે.

હાઇવે ઉપર સતત ભારે વાહનોનું 24 કલાક ભારણ વચ્ચે હાલ ચાલી રહેલી રસ્તા અને બ્રિજની કામગીરીએ ચોમાસુ શરૂ થવા સાથે જ ટ્રાફિકજામ સર્જ્યું છે. હાલ તો વાહનો હાઇવે પરથી પસાર થતા પેહલા વિચાર કરી રહ્યાં છે. અને ફોર વ્હિલરો ભરૂચથી અંકલેશ્વર તરફ અવર જવર માટે નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે અન્ય મોટા વાહનો પણ ટ્રાફિકજામથી બચવા વાલિયા, ઝઘડિયા સહિતના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે.

(12:32 am IST)