ગુજરાત
News of Friday, 3rd July 2020

સુરતમાં કોરોનાનો કહેર : આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ખોવાયાના બેનરો લાગ્યા

સુરતમાં અનેક સ્થળોએ આમઆદમી પાર્ટીએ બેનર લગાવ્યાઃ હું ગાંધીનગર છું... કયાંય ખોવાયો નથી : કુમાર કાનાણી

સુરત તા. ૩ : શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજયના આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના બેનરો શહેરમાં ઠેર-ઠેર લાગ્યા છે. આમ આદમી પાર્ટી સુરતના બેનર હેઠળ આ બેનરો લગાવવામાં આવ્યા છે.

શહેરમાં આમ આદમી પાર્ટી સુરતના બેનર હેઠળ રાજય આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના બેનર લાગ્યા છે. જેમાં જે કોઈ ને પણ મળે તો સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી પણ કરવામાં આવી છે. શહેરના સરથાણા, સિંગણપોર, કોઝવે, ડભોલી સહિતના મોટાભાગના વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે. હાલ તો આ બેનરો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહ્યા છે.

આ બાબતે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મારી પુત્ર વધુ અને પૌત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા ત્યારે હું ગાંધીનગર હતો. જેથી હું ગાંધીનગરમાં જ રહ્યો છું. હું કયાંય ખોવાયો નથી. આ તો રાજકીય કાવતરૂ છે. આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. જેને લઈને મારા વિરુદ્ઘ પ્રચાર કરી રહ્યા છે.

બેનરો લગાવવા બાબતે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી.ઙ્ગસરથાણા પોલીસ વિસ્તારમાં આ ઘટના બની હતી. ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડી બંને પક્ષના કાર્યકરોને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા.

(4:09 pm IST)