નર્મદા : ટાયર ચોરતી તાડપત્રી ગેંગના ગોધરાના ત્રણ શખ્શો ઝડપાયા : 8.39 લાખનો મુદામાલ જપ્ત
નર્મદા પોલીસે ગત રોજ વડોદરા રેંજ આઇજીને મળેલી બાતમીના આધારે તીલકવાડાનાં દેવલીયા ચોકડી પાસે નાકાબંધી કરી હતી. દરમ્યાન એક અપોલો ટાયર ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી. જેમાં ગોધરાનાં ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પુછપરછ દરમ્યાન આ ટાયરોની કોઇ બીલ્ટી નહીં મળતા શક વધુ ઘેરો બન્યો હતો.
પોલીસે ઝડપી પાડેલા શખ્સોની કડકાઈથી પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ કબુલાત આપી હતી કે, મહારાષ્ટ્રનાં માલેગાંવથી શીરપુર વચ્ચે ઢાબા ઉપર પાર્ક કરેલી ટ્રકમાંથી બીજી ટ્રક ઉભી કરીને તેમાંથી અપોલો કંપનીના ફોર વ્હીલ અને ટુ વ્હીલનાં ટાયરો ચોરી કરી હતી. જે અન્ય ટ્રકમાં ભરીને લાવ્યા હતા. તેને ગોધરા ખાતે લઇ જવાતા. દરમિયાન નર્મદા પોલીસની સતર્કતાને કારણે પકડાઇ ગયા હતા.
પોલીસે ટ્રકમાંથી કુલ રૂપિયા ૮,૩૯,૨૦૦નાં અપોલો કંપનીનાં ટાયરો પકડીને સાથે ચોરી કરવાનો સામાન પણ ઝડપી પાડયો હતો. નર્મદા એસપી મહેન્દ્ર બગડીયાનાં જણાવ્યા મુજબ આ ગેંગ તાડપત્રી ગેંગ તરીકે ઓળખાય છે. પકડાયેલ ફેસલ હુસૈન ઢેસલી, ખાલીદ ઢુડીયા તથા સંજય વણકર આ ગેંગનાં સભ્ય છે. અન્ય ત્રણ ઇસમો ફરાર પણ થયા છે. આ અંગે માલેગાવ (મહારાષ્ટ્ર) પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો છે. હવે આગળ માલેગાવ (મહારાષ્ટ્ર) પોલીસ તપાસ કરશે.