ગુજરાત
News of Wednesday, 3rd June 2020

આફતે ક્યારેક રસ્તો બદલ્યો તો ક્યારેક દરિયામાં સમાઈ

આ આઠ વાવાઝોડાં ગુજરાત માટે હતાં : 'અમ્ફાન' તોફાનની તબાહીને હજી તો મહિનો પણ નથી થયો ત્યાં તો દેશ પર વધુ એક વાવાઝોડાંનું સંકટ આવ્ય

ગાંધીનગર, તા. ૩ : બંગાળની ખાડીમાં આવેલાં 'અમ્ફાન' તોફાનની તબાહીને હજી તો મહિનો પણ નથી થયો ત્યાં તો દેશ પર વધુ એક તોફાન એટલે કે વાવાઝોડાંનું સંકટ આવી પડ્યુંં છે. હાલમાં અરબ સાગરથી આગળની તરફ વધી રહેલ વાવાઝોડું 'નિસર્ગ' ને લઈને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવેલ છે. ગુજરાતમાં ભાવનગરનાં સમુદ્રી કિનારા સાથે ટકરાઈ શકે છે અથવા તો આ વાવાઝોડું મહારાષ્ટ્રનાં મુંબઈ, પાલઘર, અલીબાગ અને ઠાણેમાં ટકરાઈ શકે તેમ છે. "નિસર્ગ"નું લેન્ડફોલ રાયગઢનાં અલીબાગમાં હોવાનું અનુમાન છે. બુધવારે મુંબઈ, પાલઘર, ઠાણે અને રાયગઢ જિલ્લા સગિત ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાના પગલે દરિયો તોફાની બનશે અને જો ૧-૨ મીટર ઊંચા મોજા ઉછળશે, તો મુંબઈ, ઠાણે, પાલઘર અને રાયગઢનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. હાલમાં, ગુજરાતમાં પણ ભાવનગરનાં ૩૪ અને અમરેલીનાં ૨૪ ગામોને એલર્ટ આપી દેવામાં આવેલ છે.

                ઉપરાંત હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, વાવાઝોડા દરમિયાન ૧૦૦ થી ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે અને દરિયામાં ૬ ફૂટ ઊંચા ઉછળતા મોજા મુંબઈને ફરીથી પાણી-પાણી કરી શકે છે. બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. મુંબઈ માટે આજનો દિવસ ભારે છે. બપોરની આસપાસ નિસર્ગ વાવાઝોડું અહીં ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકવાનું છે. જો કે, મુંબઈ નિર્સર્ગની મુસીબતનો સામનો કરવા માટે સજ્જ છે. ૮૦ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. આ સાથે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ લોકોને બે દિવસ સુધી ઘરની અંદર જ રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યુંં કે, "નિસર્ગ" વાવાઝોડુ વધારે શક્તિશાળી બન્યું છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે, અહીં પહોંચતાં પહેલાં તે નબળુ પડી જાય. મુખ્યમંત્રીએ જણાવ્યુંં કે, ભારતીય સેનાની ત્રણેય પાંખો અને NDEFની ટીમો એલર્ટ છે.

               ગુજરાતમાં સામાન્યતઃ આપણે જોઈએ છીએ કે, દરીયાકિનારાનાં વિસ્તારો પર ઘણી વાર વાવાઝોડાંનો ખતરો મંડરાયેલો રહે છે પરંતુ છેલ્લાં ૬ વર્ષોમાં ગુજરાતનાં કિનારે કોઈપણ તોફાન આવ્યું નથી. વાવાઝોડું ઘણી વાર ગુજરાતનાં દરિયાકિનારા તરફ વધે છે અને પછી બાદમાં તે પરત જતું રહે છે. વર્ષ ૨૦૧૪ બાદ ગુજરાત પર આઠ વખત ચક્રવાતી વાવાઝોડાંનો ખતરો સામે આવ્યો છે પરંતુ ગુજરાત તેની ઝપેટમાં આવતા આવતા બચી ગયું છે.આ આઠમાંથી પાંચ વાવાઝોડાંમાં ચપાલા, નનૌક, અશોબા, સાગર અને વાયુએ પોતાની દિશા બદલી નાખી, જ્યારે ત્રણ વાવાઝોડાંમાં ઓખી, નિલોફર અને મહાને સમુદ્રએ જ પોતામાં સમાવી લીધાં છે. ત્યારે અહીં જાણીશું કે આખરે આ વાવાઝોડાંમાં જે ગુજરાત તરફ વધ્યાં પરંતુ તે અંતે ટકરાયાં નહીં. અરબ સાગરમાં વાવાઝોડું જ્યારે પણ આવે ત્યારે તે પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ અને ઓમાન જેવાં દેશોમાં જઈને વિખેરાઈ જાય છે.

નનૌક : ૧૩ જૂન ૨૦૧૪નાં રોજ અરબસાગરમાં વેરાવળથી ૫૯૦ કિમી દૂર ભૂમધ્ય સાગરમાં નનૌક વાવાઝોડું આવ્યું હતું. ત્યારબાદ તે રાજ્યનાં દરિયાકિનારાનાં વિસ્તારોમાં ચેતવણી જારી કરાઈ હતી પરંતુ તે અંતે ઓમાન તરફ વધવા લાગ્યું અને ગુજરાત પરથી સંકટ ટળી ગયું.

નીલોફર : ઓક્ટોબર ૨૦૧૪માં અરબ સાગરમાં ઉચ્ચ વાયુ દબાણને કારણ નીલોફર વાવાઝોડાંનું નિર્માણ થયું. આ વખતે સંભવિત ખતરામાં સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારો હતાં, પરંતુ નીલોફરને સમુદ્રની લહેરોએ પોતાની અંદર જ સમાવી લીધું.

અશોબા : જૂન ૨૦૧૫માં પૂર્વ-મધ્ય અરબ સાગમાં અશોબા નામનું ચક્રવાત આવ્યું હતું જે ઓમાન તરફ જઈને વિભાજિત થઈ ગયું હતું. ગુજરાત એકવાર ફરીથી તબાહીથી બચી ગયું હતું.

ચપાલા : ૨૦૧૫નાં ઓક્ટોબરમાં અરબ સાગરમાં ચપાલા વાવાઝોડાંનું નિર્માણ થયું પરંતુ એ પણ ગુજરાત તરફ ના આવ્યું. ચપાલા અશોબાની જેમ જ ઓમાન તરફ ફંટાઈ ગયું હતું.

ઓખી : ૨૦૧૭નાં ડિસેમ્બરમાં ઓખી વાવાઝોડાંએ તમિલનાડુ અને કેરલમાં તબાહી મચાવી હતી, ત્યારબાદ તે અરબ સાગરનાં રસ્તેથી ગુજરાત તરફ વધવા લાગ્યું હતું પરંતુ તે ગુજરાત તરફ પહોંચતા પહેલા જ વિખેરાઈ ગયું હતું.

સાગર : ૧૭ મે, ૨૦૧૮નાં રોજ ગુજરાતનાં દરિયાકિનારા પર સાગર નામનાં વાવાઝોડાંનું નિર્માણ થયું હતું. એ પણ ગુજરાત પહોંચતા પહેલાં જ યમન તરફ ફંટાઈ ગયું હતું.

વાયુ : જૂન ૨૦૧૯માં અરબ સાગરમાં આવેલું વાયુ વાવાઝોડું ખતરનાક સાબિત થઈ રહ્યું હતું. અનુમાન અનુસાર તે દરિયાકિનારાથી ૧૨૦થી ૧૬૦ કિમીની ગતિથી ટકરાવાનું હતું. વાવાઝોડું દીવ અને વેરાવળની વચ્ચે દરિયાકિનારે ટકરાવાનું હતું પરંતુ તેની દિશા બદલાઈ ગઈ અને તે યમન તરફ વધવા લાગ્યું હતું.

મહા : ૭ નવેમ્બર, ૨૦૧૯નાં રોજ અરબસાગરમાં આવેલું મહા વાવાઝોડું કે જેનાં કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. મહા વાવાઝોડું દીવ અને પોરબંદરની વચ્ચે ટકરાવાનું હતું પરંતુ તે અરબસાગરમાં નબળું પડી ગયું અને સમુદ્રમાં જ સમાઈ ગયું હતું.

ગુજરાત આવી રીતે વારંવાર વાવાઝોડાંનાં મોટા સંકટથી બચી ગયેલું છે. ત્યારે એક વાર ફરી નિસર્ગ વાવાઝોડું કે જેનું સંકટ મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ છે પરંતુ તે ગુજરાત તરફ આવી શકે તેવી શક્યતા નહિવત્ છે છતાં પણ રાજ્યમાં ૩ જૂને બપોર બાદ આજનાં દિવસે વાવાઝોડું ટકરાઈ શકે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, વ્યારા, આહવા, સુરતમાં જેને લઈને વરસાદની સંભાવના છે. વડોદરા, ગોધરા, પંચમહાલમાં પણ વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્રના પાલઘર, વસઈ, નાસિકમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વાવાઝોડાંને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. સાથે-સાથે મહારાષ્ટ્રમાં પણ હાઈએલર્ટ આપી દેવામાં આવેલ છે.

(8:03 pm IST)