ગુજરાત
News of Wednesday, 3rd June 2020

કોરોના યુગનો ઐતિહાસિક દસ્તાવેજ દળદાર બનશે

ડીસીપી મકરંદ ચૌહાણના અભિયાનમાં સુરતના યુવા ડીસીપી પ્રશાંત સુમ્બે પણ સામેલ થયા : બંદોબસ્તમાં જોડાયેલા સુરતના તમામ અધિકારીઓના ઇન્ટરવ્યું લેવાયાઃ અલભ્ય તસ્વીરો સામેલ કરાશેઃ મહામારીના પડકાર સામેની લડાઇની રણનીતિ ભાવી પેઢી માટે ખુબ જ ઉપયોગી બનશેઃ સુરતના ડીસીપી (ટ્રાફીક)એ અકિલા સાથેની વાતચીતમાં અભૂતપુર્વ વિગતો વર્ણવી

રાજકોટ, તા., ૩: દેશ-દુનિયાના ઇતિહાસમાં કયારે પણ કોઇએ જોયો કે સાંભળ્યો ન હોય તેવા કોરોના વાયરસની મહામારી તમામ માટે નવી હોવા છતા, વિવિધ તંત્રો સાથે જાનના જોખમે પોલીસે કઇ રીતે ફરજ બજાવેલી. હોસ્પિીટલ હોય કે કન્ટેન્ટમેન્ટ એરીયા કે પછી કોવીડ-૧૯ના આરોપીઓને પકડવામાં રખાયેલી તકેદારી સહિતની બંદોબસ્તની તમામ બાબતો  આવરી લેતા ઐતિહાસિક દસ્તાવેજનું નિર્માણ  કાર્ય અમદાવાદના ઝોન-૩ના ડીસીપી મકરંદ ચૌહાણ દ્વારા શરૂ થયેલા અભિયાનને આગળ ધપાવવા માટે સુરત ટ્રાફીક બ્રાન્ચના યુવા ડીસીપી પ્રશાંત સુમ્બે પણ સામેલ થયા છે. આ અભિયાન અંતર્ગત સુરત શહેરના બંદોબસ્તમાં જોડાયેલ તમામ અધિકારીઓના ઇન્ટરવ્યુ લઇ તેમના અનુભવો આધારે દળદાર ડોકયુમેન્ટ તૈયાર કરવા સાથે ડોકયુમેન્ટસને અસરકારક બનાવવા માટે તેમાં કોવીડ-૧૯ની ગંભીરતા દર્શાવતી તસ્વીરો પણ સામેલ થશે તેમ અકિલા સાથેની  વાતચીતમાં સુરત ટ્રાફીક બ્રાન્ચના ડીસીપી પ્રશાંત સુમ્બેએ જણાવ્યું છે.

આપણી પેઢી કે દર પેઢીમાં કોઇએ ન જોઇ હોય કે ન સાંભળી હોય તેવી આ જીવલેણ મહામારીમાં પોલીસ તંત્ર દ્વારા કેવી અભુતપુર્વ કામગીરી થયેલ તેનો ચિતાર ભવિષ્યમાં નવી પેઢીના પોલીસ અધિકારીઓ તથા  પોલીસ સ્ટાફને મળે તેવો હેતુ હોવાનું ઉકત બંન્ને ડીસીપીઓએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. તેઓના કહેવાનું તાત્પર્ય એવા પ્રકારનું છે કે મહામારી ગમે તેવી મોટી હોય કે પડકારરૂપ પરંતુ પોલીસે પોતાની કુનેહથી સામનો કરવો જોઇએ.

(11:45 am IST)