ગુજરાત
News of Wednesday, 3rd June 2020

કોરોનાના દર્દીને દર્દીને ક્વોરેન્ટાઈનની શરતે રજા આપી :કન્ટેઈનમેન્ટ ઝોનમાં ટોળાંએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું

દર્દીના સગા વિરુદ્ધ મેડિકલ ઓફીસરે ફરિયાદ નોંધાવી

અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાંથી કોવિડ 19 દર્દીને ક્વોરેન્ટાઈન થવાની શરતે રજા આપી હતી. દર્દીને સગા બાવળાનાકન્ટેઈનમેન્ટ ઝોનમાં આવેલ ઘરે લઈ જઈને ટોળાં ભેગા કરીને ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું. આ કૃત્યને પગલે દર્દીના સગા વિરુદ્ધ મેડિકલ ઓફીસરે ફરિયાદ નોંધાવી હતી. દર્દીને હાલમાં બાવળા ખાતે તૈયાર કરાયેલા કોવિડ આઇસોલેશન વોર્ડમાં રાખ્યો છે.

 આ અંગેની વિગત મુજબ બાવળા ખાતે ગત તારીખ 25 મેંના રોજ શાકભાજી અને ફ્રુટના વેપારીઓના મેડિકલ સેમ્પલ લઈ કોવિડ ટેસ્ટ કર્યા હતા. જેનો રિપોર્ટ બીજા દિવસે આવ્યો જેમાં બોરડીવાળા જીનમાં રહેતા દિનેશ કરસન ઠાકોરનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. દિનેશને સારવાર માટે સોલા સિવિલ ખાતે દાખલ કર્યો હતો. ગત તારીખ 29મી મેના રોજ દિનેશને સોલા સિવિલમાંથી રજા આપવામાં આવી હતી અને આઈસોલેશનમાં રાખવા માટે બાવળા મેડિકલ ઓફીસર રાકેશ મહેતાને જાણ કરી હતી. એમ્બ્યુલન્સની વ્યવસ્થા ના હોવાથી દર્દીને રાકેશ મેહતાએ સોલા સિવિલમાં રહેવા સમજાવ્યું હતું. જો કે, દર્દીના સગા મનસુખભાઇ ચમનભાઈ ઠાકોર બાવળા નગરપાલીકાની એમ્બ્યુલન્સ લઈને સોલા પહોંચી ગયા હતા. મનસુખભાઈએ દિનેશને આઇસોલેશન વોર્ડ બાવળા લઈ જવાની જગ્યાએ રાત્રે 10.30 વાગ્યે કન્ટેઈનમેન્ટ ઝોન બોરડીવાળા જીનમાં લઈ ગયા હતા. જ્યાં લોકોના ટોળાં એકત્ર કરીને દિનેશનું ફટાકડા ફોડી સ્વગત કર્યું હતું. આમ કોવિડ પોઝિટિવ દિનેશ દર્દીના સંપર્કમાં અનેક લોકો આવ્યા હતા.

(10:30 pm IST)