ગુજરાત
News of Monday, 3rd June 2019

શહેરના શનિમંદિરોમાં શનિ જયંતિની શાનદાર ઉજવણી

નાગરવેલ હનુમાન ખાતે શનિ શિલાને લઘુરૂદ્રાભિષેક : શનિદેવની વિશેષ પૂજા, હોમ-હવન યોજાયા : સોમવતી અમાસને લઇ શિવાલયોમાં પણ શિવભકતોની ભીડ જામી

અમદાવાદ,તા. ૩ : આજે સોમવારે વૈશાખી અમાવસ્યા એટલે કે, સોમવતી અમાસ અને શનિદેવના પ્રાગટ્ય દિન એટલે કે, શનિ જન્મજયંતિ અને વડસાવિત્રી પૂજાનો સુભગ સમન્વય સર્જાયો હોવાથી શહેરના શનિદેવ મંદિરો અને શિવમંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોની જબરદસ્ત ભીડ જામી હતી. શહેરના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ સુપ્રસિધ્ધ અને પ્રાચીન નાગરવેલ હનુમાન મંદિર ખાતે આજે સોમવારે અમાવસ્યાના રોજ શ્રી શનિદેવ જયંતિ મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જયાં ૮૦૦ કિલોની શનિદેવની શિલા પર સરસોના ૧૦૧ કિલો તેલથી ભવ્ય લઘુરૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. આજે શનિ પ્રાગટય દિન હોઇ શનિદેવની શિલાને વિશેષ સાજ શણગાર કરવામાં આવ્યો હતો તો, સમગ્ર દિવસ દરમ્યાન અને મોડી રાત સુધી શનિદેવના વિશેષ હોમ, હવન અને પૂજા-આરતીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી નાગરવેલ હનુમાન મંદિરના શ્રી રંગનાથાચાર્યજી મહારાજ અને હીરાલાલજી મહારાજે જણાવ્યું હતું કે, નાગરવેલ હનુમાનજી ખાતેની શનિદેવની આ શિલા સુપ્રસિધ્ધ શિંગણાપુરના જ સ્વરૂપ સમાન અને આબેહૂબ છે. હજારો શ્રધ્ધાળુ ભકતોમાં તેના ચમત્કાર અને મહિમાને લઇ ઉંડી ધાર્મિક આસ્થા છે. સુપ્રસિધ્ધ અને ચમત્કારિક નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે આજે અમાવસ્યા નિમિતે શનિ જયંતિ મહોત્સવના વિશેષ આયોજન અને કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. શ્રી નાગરવેલ હનુમાન મંદિરના મહારાજ શ્રી રંગનાથાચાર્યજી મહારાજ અને હીરાલાલ મહારાજે જણાવ્યું હતું કે, નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શનિદેવની આ પવિત્ર શિલા રાજસ્થાનના ઉદયપુર ખાતેથી લાવવામાં આવી હતી, જે શનિદેવના જન્મસ્થાન સુપ્રસિધ્ધ શિંગણાપુર ખાતે આવેલી મૂર્તિ(શિલા) જેવી જ આબેહૂબ અને તેના જ સ્વરૂપમાં હોઇ તેનો મહિમા વિશેષ રીતે વધી જાય છે. આજે શનિજયંતિ નિમિતે વહેલી સવારે ૧૦-૦૦થી ૧-૦૦ કલાકે ૮૦૦ કિલોની શનિ શિલા પર સરસોના ૧૦૧ કિલો તેલથી ભવ્ય લઘુરૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. તો, સાંજે ૫-૦૦થી ૮-૦૦ શનિ હવન અને રાત્રે ૮-૩૦ કલાકે શનિદેવની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમ્યાન અને મોડી રાત સુધી હજારો શ્રધ્ધાળુ ભકતો શનિ મહારાજના દર્શન કરવા ઉમટયા હતા. શનિજયંતિના આજના પવિત્ર દિવસે શ્રધ્ધાળુઓએ સરસોનું તેલ, કાળુ કાપડ, કાળા અડદ, કાળી છત્રી, કાળા બુટ-ચંપ્પલ, લોખંડની વસ્તુઓ શનિદેવને અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અને સાથે સાથે ગરીબો-નિરાધારોને દાન-પુણ્ય પણ કર્યું હતું. શ્રી રંગનાથાચાર્યજી મહારાજ અને હીરાલાલજી મહારાજે વધુમાં ઉમેર્યું હતું કે, શાસ્ત્રોમાં પણ શનિ અમાવસ્યાનો અનેરો મહિમા વર્ણવાયેલો હોઇ હજારો શ્રધ્ધાળુ ભકતોએ  શનિદેવના દર્શન અને પૂજાનો લાભ લીધો છે. શનિદેવ એ ન્યાયના દેવતા છે. તે કોઇને ખોટી રીતે દંડતા નથી. તે એકદમ સરળ અને તટસ્થ દેવ છે. વ્યકિત જો ખોટુ કર્મ ના કરે તો, શનિદેવની અપરંપાર કૃપા તેની પર વરસે છે, તેથી શનિદેવથી ડરવાની કે ભ્રામક માન્યતાઓથી બીવાની ખોટી જરૂરી હોતી નથી. આજે શહેરના દૂધેશ્વરના અતિપ્રાચીન શનિમંદિર, વાસણા વિસ્તારના શનિદેવ મંદિર, શાહીબાગ વિસ્તારના શનિમંદિર, થલતેજ ખાતેના શનિમંદિર, ડ્રાઇવઇન વિસ્તારમાં વૈભવલક્ષ્મી મંદિરમાં આવેલ શનિમંદિર સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શનિમંદિરોમાં શનિમહારાજની જયંતિની ભવ્ય ઉજવણી ઉપરાંત, તેલ અભિષેક અને વિશેષ પૂજા-મહાઆરતીનું આયોજન કરાયું હતું. તો, આજે સોમવાર અને સોમવતી અમાસ હોઇ શિવમંદિરો અને શિવાલયોમાં પણ શિવભકતોની ભારે ભીડ જામી હતી. શિવમંદિરોમાં ભોળાનાથને વિશેષ જળાભિષેક, દૂધ, ધન-ધાન્યનો મહાઅભિષેક અને લઘુરૂદ્ર સહિતના વિશેષ પૂજા-આરતીના આયોજન કરવામાં આવ્યા હતા. સોમવતી અમાસનો શાસ્ત્રમાં પણ ખાસ મહિમા વર્ણવાયેલો હોવાથી આજે  શિવભકતો ભોળાનાથને રીઝવવા અને તેમને પ્રસન્ન કરવા જળાભિષેકથી લઇ મહામૃત્યુંજય જાપ, લઘુરૂદ્ર સહિતના પૂજા, જપ-તપ સહિતની આરાધના કરી હતી.

(8:08 pm IST)