ગુજરાત
News of Monday, 3rd June 2019

સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને ટેબલેટ અપાશે, ‘શું ભણાવ્‍યું' તેનો સરકારને રોજ અહેવાલ આપવાનો

શિક્ષણની ગુણવતા સુધારવા ઘરખમ ફેરફારો તરફ આગળ વધતા સચિવ વિનોદ રાવ

ગાંધીનગર, તા.૩: રાજયમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા હવે રાજયમાં આવેલી ૩૨ હજારથી વધુ શાળાઓમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓનો દરરોજ રિપોર્ટ લેવાશે. રિપોર્ટના આધારે જે નબળી કામગીરી ધરાવતી શાળાના શિક્ષકો સામે પગલાં લેવાશે. દરરોજની કામગીરીના મોનિટરિંગ માટે સ્‍કૂલના બીઆરસી  માર્ગદર્શન હેઠળ શિક્ષણ સુધારવા માટે ઘરખમ પગલા આવી રહ્યા છે. સીઆરસી શિક્ષકોને ટેબલેટ આપવામાં આવશે. શિક્ષણક્ષેત્રે ગુણવતા સુધારવા સચિવ શ્રી વિનોદ રાવ (આઇ.એ.એસ.)ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી થઇ રહી છે.

રાજયમાં પ્રાથમિક શૈક્ષણિક પ્રવૃત્તિને સુધારવા સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે રાજયની દરેક શાળાના શિક્ષકો પાસે ટેબ્‍લેટ હશે. જેનાથી શિક્ષકે દરરોજની શૈક્ષણિક કામગીરીનો રિપોર્ટ આપવાનો રહેશે. રાજયમાં ૩૨,૭૫૦ સ્‍કૂલના બીઆરસીને સીઆઈસી શિક્ષકોને ટેબલેટ આપવામાં આવશે. ટેબલેટ સાથે ટ્રેકિંગ સિસ્‍ટમ જીપીઆરએસ પણ ફીટ કરવામાં આવશે. આ ટેબલેટ થકી શિક્ષકે દિવસ દરમિયાન બાળકોને શું શિક્ષણ આપે છે તેનું રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ રિપોર્ટિગ બીઆરસી અને સીઆરસીએ કંટ્રોલ રૂમમાં કરવાનું રહેશે. દરરોજના ડેટાને આધારે રિપોર્ટ તૈયાર કરાશે. અને તે રિપોર્ટ આધારે જે સ્‍કૂલમાં નબળી શિક્ષણ કામગીરી હશે તે સ્‍કૂલના શિક્ષકો સામે પગલાં ભરવામાં આવશે. આ સાથે સ્‍કૂલના તમામ અભ્‍યાસક્રમ અને વિદ્યાર્થીઓના ગુણાંકનું પણ મોનિટરિંગ કરવામાં આવશે.

ગુજરાતની પ્રાથમિક શાળામાં બે લાખ શિક્ષકો ફરજ બજાવે છે. અત્‍યાર સુધી ઘણા શિક્ષકો સ્‍કૂલમાં હાજરીની ગેરરીતિ કરતા હોવાની ફરીયાદો હતી. પરંતુ હવે કંટ્રોલ રૂમમાં દરરોજ શિક્ષકોની હાજરીનું પણ મોનીટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની હાજરીનું મોનીટરીંગ કરવામાં આવશે.. અને જે-તે સ્‍કૂલમાં વિદ્યાર્થીઓની ગેરહાજરીની નોંધ લઈ તેનો પણ રિપોર્ટ તૈયાર કરાશે.

સ્‍કૂલમાંથી મોકલવામાં આવતા રિપોર્ટ આધારે મોનિટરીંગ થતું હતું. અને તેમાં ક્‍યાંક ખોટી માહિતી પણ કાગળ પર જતી હતી. પરંતુ હવે ટેબલેટ થકી દરરોજ મોનીટરીંગ થશે. કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમમાં ૫૦થી વધુ તાલીમ પામેલા શિક્ષકોની નિમણૂંક કરવામાં આવશે.. આ ઉપરાંત કંટ્રોલ રૂમમાં સ્‍ટાફ દર ૬ મહિને બદલાતો રહેશે. કોઈ શિક્ષક ફાજલ પડે તો તેની નિમણૂક કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે.

(3:53 pm IST)