ગુજરાત
News of Monday, 3rd May 2021

અમદાવાદ મનપાએ શહેરની 18 હોસ્પિટલોમાં 50 ટકા રિઝર્વ કરેલા 1219 બેડ 25 દિવસ પછી પણ મળ્યા નથી

171 હોસ્પિટલોના 75 ટકા બેડ રિઝર્વ કરવાની જાહેરાત પણ અમલના નામે મીંડું : સ્વ ખર્ચે સારવાર કરાવવા માંગતા દર્દીઓને પણ હાલાકી

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 25 દિવસ પહેલાં 8 એપ્રિલે અમદાવાદ શહેરની 18 ખાનગી હોસ્પિટલોમાં 50% લેખે 1219 બેડ મ્યુનિ. પ્રાઇવેટ ક્વોટામાં રિઝર્વ  કર્યા હતા પણ હજુ સુધી બેડનો કબજો મળ્યો નથી.

   17 ખાનગી હોસ્પિટલમાં 50 ટકા પ્રમાણે બેડ રિઝર્વ કરવાના હતા પણ હાલની સ્થિતિએ જોઈએ તો કેટલીક મોટી હોસ્પિટલ દ્વારા 25 ટકા બેડ પણ સોંપ્યા નથી.જરૂરિયાત વધવાની સાથે અમદાવાદ મનપા દ્વારા રિઝર્વ હોસ્પિટલ માં વધારો કરવામાં આવ્યો છે. જે હાલ 171 હોસ્પિટલ કોરોના માટે રિઝર્વ કરવામાંઆવી છે. જ્યારે એક હોસ્પિટલ તો અસ્તિત્વમાં નથી.

અહીં ઉલ્લેખનીય છે કે AMCએ 28મી એપ્રિલના રોજ 171 ખાનગી હોસ્પિટલમાં 75 % બેડ રિઝર્વ કર્યા હતા પણ આ પૈકી કેટલા બેડનો મ્યુનિ.ને કબજો મળ્યો છે અને આ રિઝર્વ બેડ ઉપર કેવી રીતે દર્દીઓ દાખલ થઈ રહ્યાં છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાતી નથી

ઉદાહરણ તરીકે એસ.જી હાઈવેની ઝાયડ્સ હોસ્પિટલમાં કુલ 550 બેડ હતા જેના 275 બેડ રિઝર્વ કરાયા હતા જેમાં દર્દીઓ સ્વખર્ચે સારવાર કરાવી શકે તેમ હતું પણ આજદિન સુધી માત્ર 72 બેડ મ્યુનિ.ને મળી શક્યાં છે. આવી સ્થિતિ અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ છે. એસજી હાઇવે ઉપર આવેલી કે.ડી. હોસ્પિટલમાં કુલ બેડ 300 છે. મ્યુનિ.એ 150 બેડ રિઝર્વ કર્યા હતા પણ હજુ માત્ર 122 બેડ મળ્યા છે.

મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 156 બેડ રિઝર્વ કરાયા હતા પણ 48 બેડ મળી શક્યા છે. રખિયાલની નારાયણ હોસ્પિટલમાં 150 બેડ રિઝર્વ કરાયાં હતા જેની સામે મ્યુનિ.ને 39 બેડ મળ્યા છે. સેવીયર હોસ્પિટલમાં 55 બેડ રિઝર્વ કર્યા હતા પણ મ્યુનિ.ને 35 બેડ મળ્યા છે.

એશિયન બેરીયટીક હોસ્પિટલમાં 50 બેડ રિઝર્વ કરાયા હતા પણ 10 બેડ મળી શક્યા છે. વાડજની દેવસ્ય હોસ્પિટલમાં 25 બેડ રિઝર્વ કર્યા હતા જેમાં 8 બેડ મ્યુનિ.ના ક્વોટામાં મળ્યા છે. આ તમામ માહિતી ખુદ આહના દૈનિક ધોરણે જાહેર કરે છે જેમાં આ હોસ્પિટલમાં કેટલા મ્યુનિ. ક્વોટાના બેડ છે તે જાહેર કરવામાં આવે છે અને તેમાં કેટલા ભરેલા છે તેની વિગતો મુકવામાં આવે છે. જોકે, AMC અને હોસ્પિટલ બન્નેને બેડ અનામતના લાભને કારણે નુકસાન થઇ રહ્યુ છે.

આ તમામ ખાનગી હોસ્પિટલને છાવરવામાં આવી રહી છે. એક મહિના જેટલો સમય વીત્યો છતાં 50 ટકા લેખે રિઝર્વ કરેલા બેડનો કબજો મળી રહ્યો નથી તે માન્યામાં આવે તેવું નથી. આ હોસ્પિટલમાં મ્યુનિ.ના રિઝર્વ બેડ હોવા છતાં સ્વ ખર્ચે સારવાર કરાવવા માંગતા દર્દીઓને પણ મ્યુનિ. ક્વોટામાં બેડ મળી રહ્યાં નથી કેમ કે, આજદિન સુધી આ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની કોઈ નીતિ મ્યુનિ.એ જાહેર કરી નથી. મ્યુનિ.ના ક્વોટામાં દર્દીઓ કેવી રીતે દાખલ થાય તે પણ એક રહસ્ય છે.

 હોસ્પિટલ –                     કુલ બેડ –       50% –        મળ્યા કેટલા

(10:29 pm IST)