ગુજરાત
News of Monday, 3rd May 2021

અમદાવાદ :પતિ સહિત સાસરીયાના ત્રાસથી 6 મહિનાની ગર્ભવતી યુવતી મોતની છલાંગ લગાવવા રીવરફ્રંટ પહોંચી

મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને સમજાવી સાસરિયા સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં મોકલી આપી

અમદાવાદ: શહેરમાં આઈશા આપઘાતના કિસ્સા બાદ એક ગર્ભવતી મહિલા સાસરીયાના ત્રાસથી તંગ આવીને આપઘાત કરવા માટે રીવરફ્રન્ટ પહોંચી હતી. જો કે આ અંગે મહિલા હેલ્પલાઈનમાં એક જાગૃત નાગરીકે ફોન કરતા મહિલા મદદ કરી હતી જોકે યુવતીના સાસરિયાઓ દહેજ માગતા હતા. સાસરિયાઓ ગાળો બોલી અને ત્રાસ આપતા દીકરાના બીજે લગ્ન કરાવવાની વાત કરતા હોવાની જાણ યુવતીને થતાં આપઘાત કરવા પહોંચી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને સમજાવી સાસરિયા સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં મોકલી આપી હતી.

 શહેરમાં એક 6 મહિનાની ગર્ભવતી યુવતીએ રીવરફ્રન્ટ પરથી મોતની છંલાગ મારી આપઘાત કરવા માટે આવી હતી દરમિયાન એક જાગૃત નાગરીકે તેને પકડીને મહિલા હેલ્પલાઈનની ટીમને જણાવ્યુ હતુ કે, એક યુવતી સાબરમતી નદીમાં કૂદવા માટે આવી છે જો કે મે તેને પકડી લીધી છે. જેના પગલે અભ્યમ હેલ્પલાઇનની ટીમ રિવરફ્રન્ટ પર પહોંચી હતી.

 

યુવતીના પરિવારજનોને બોલાવી વાતચીત કરતા જાણવા મળ્યુ હતુ કે, યુવતીના લગ્નને 1 વર્ષ થયું છે અને 6 મહિનાથી ગર્ભવતી છે. સાસરીમાં પતિ, સાસુ અને નણંદ દ્વારા ત્રાસ આપવામાં આવે છે. દહેજમાં દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યુ હતું. પિતા છૂટક મજૂરી કરે છે અને અવારનવાર સાસરિયા મારપીટ કરે છે. યુવતીના માતા તેને પહેરવાં કપડાં મોકલે તો નણંદ લઈ લે છે. અને રોજ બરોજ ત્રાસ આપે છે.

એટલુ નહીં પતિને મસાલો ખાવાની આદત હોવાથી મસાલો ખાઈને યુવતીના હાથ પર થૂંકી દે છે. તથા નણંદ અને સસરા અવાર નવાર ગાળો આપીને ત્રાસ આપે છે તથા મારા દિકરાના બીજે લગ્ન કરાવી દઈશું તેવી ધમકી પણ અવાર નવાર આપતા હોવાથી તંગ આવીને યુવતીએ પોતે રિવરફ્રન્ટ પર આવી નદીમાં પડતું મુકી આપઘાત કરવા આવી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે તેને સમજાવી સાસરીયા અને પતિના વિરુદ્ધમાં પોલીસ ફરીયાદ કરવાનું જણાવી પોલીસ સ્ટેશન મોકલી હતી.

(11:06 pm IST)