ગુજરાત
News of Friday, 3rd May 2019

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મના ૧૫૦ વર્ષની ઉજવણી પ્રસંગે અનેક કાર્યક્રમ

નવજીવન ટ્રસ્ટની સ્થાપનાને ૧૦૦ વર્ષ : આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી મૂલ્યોનો સંદેશ આપતી મહાત્મા-એક અનંત શકિત નૃત્ય નાટિકા-મોહનનો મસાલો નાટકનું આયોજન

અમદાવાદ, તા.૩ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મના ૧૫૦ વર્ષ અને નવજીવન ટ્રસ્ટની સ્થાપનાના ૧૦૦ વર્ષની ઉજવણી નિમિતે નવજીવન ટ્રસ્ટ દ્વારા વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે આવિર્ભાવ સ્કૂલ ઓફ ક્રિએટીવ આર્ટસના સહયોગથી ઠાકોરભાઇ દેસાઇ હોલ ખાતે સાંજે ૭-૦૦ વાગ્યે ગાંધી મૂલ્યોનો સંદેશ આપતી મહાત્મા-એક અનંત શકિત નૃત્ય નાટિકા રજૂ થશે, જયારે એચ.કે.આર્ટ્સ કોલેજ હોલમાં રાત્રે ૯-૩૦ વાગ્યે મોહનનો મસાલો નાટક રજૂ કરવામાં આવશે. મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા, સદ્ભાવના સહિતના મૂલ્યોને સમાજમાં સાચા અર્થમાં ચરિતાર્થ કરવાના ભાગરૂપે આ કાર્યક્રમોનું આયોજન કરાયું છે એમ નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇ અને આવિર્ભાવ સ્કૂલના ડાયરેકટર શર્મિષ્ઠા સરકારે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આદર્શો અને તેમના મૂલ્યોનું આજના આધુનિક યુગમાં જતન અને તેને ખરા અર્થમાં જીવનમાં ઉતારવાનો ઉમદા સંદેશા સાથે આવતીકાલે ઉપરોકત બંને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આવિર્ભાવ સ્કૂલ ઓફ ક્રિએટીવ આર્ટસના દસ જેટલા કલાકારો આવતીકાલે સાંજે ૭-૦૦ વાગ્યે ઠાકોરભાઇ દેસાઇ હોલ ખાતે ગાંધી મૂલ્યોનો સંદેશ આપતી મહાત્મા-એક અનંત શકિત નૃત્ય નાટિકા રજૂ કરશે. આ નૃત્ય નાટિકામાં મહાત્મા ગાંધીજી તેમના અદ્ભુત જીવનમૂલ્યો સાથે કેવી રીતે જીવન જીવી ગયા તેની સુંદર અભિવ્યકિત રજૂ કરવામાં આવશે. આ નૃત્ય નાટિકા માટે કલાકારોએ છેલ્લા કેટલાક મહિનાથી ભારે મહેનત કરી હતી. નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇ અને આવિર્ભાવ સ્કૂલના ડાયરેકટર શર્મિષ્ઠા સરકારે વધુમાં ઉમેર્યું હતું કે, આજના લોકો ખાસ કરીને યંગ જનરેશન ગાંધી મૂલ્યોને સમજે અને તેને જીવનમાં ઉતારે તે ડાન્સ, મ્યુઝીક અને વીઝ્યુઅલ મારફતે દર્શાવવાનો અમારો પ્રયાસ રહેશે. આ જ પ્રકારે આવતીકાલે શહેરના એચ.કે.આર્ટસ કોલેજ હોલ ખાતે રાત્રે ૯-૩૦ કલાકે મોહનનો મસાલો નાટકનું સુંદર આયોજન કરાયું છે, જેમાં મોહનલાલ ગાંધીથી લઇ મહાત્મા ગાંધી સુધીની યાત્રાને બહુ અદ્ભુત રીતે રજૂ કરવામાં આવી છે.  મનોજ શાહ દિગ્દર્શિત અને જનમ શાહ નિર્મિત મોહનનો મસાલો ગાંધીજીના જીવનને આબેહૂબ રીતે સમજાવી જાય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મના ૧૫૦ વર્ષ અને નવજીવન ટ્રસ્ટની સ્થાપનાના ૧૦૦ વર્ષની ઉજવણી નિમિતે નવજીવન ટ્રસ્ટ દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

(9:34 pm IST)