ગુજરાત
News of Friday, 3rd May 2019

બહેરા અને મૂંગા બાળકોએ પ્રાર્થના ગાઇને સ્પીચ આપી

બહેરા-મૂંગા બાળકો માટે ગ્રેજ્યુએશન સેરેમની : શ્રવણશક્તિની ખામી બીજી સૌથી સામાન્ય વિકલાંગતા

અમદાવાદ,તા. ૩ : દેશમાં શ્રવણશકિતની ખામી એ બીજા નંબરની સૌથી સામાન્ય વિકલાંગતા છે ત્યારે તારા ફાઉન્ડેશન દ્વારા તેને નાથવાનું અનોખુ બીડુ ઝડપવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે જ આજે તારા ફાઉન્ડેશન તરફથી શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં હાઉસ ઓફ મેરીગોલ્ડ ખાતે બહેરા-મૂંગા બાળકો માટે ખાસ પ્રકારે ગ્રેજયુએશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જન્મથી જ બહેરા-મૂંગા હતા તેવા બાળકોએ આજે ભગવાનની પ્રાર્થના,ગીત ગાઇ અને સ્પીચ આપી ઉપસ્થિત લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એક તબક્કે, આ બાળકોના ઉમદા પ્રયાસને જોઇ આમંત્રિત મહેમાનોની આંખોના ખૂણા ભીના થઇ જતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે કોચરલ ઇમ્પ્લાન્ટ સર્જન ડો.નીરજ સૂરી, પી.સી.સ્નેહલ ગ્રુપના એમડી ચિરંજીવભાઇ પટેલ, હાઉસ ઓફ મેરીગોલ્ડના સીઇઓ શિલ્પા ચોકસી સહિતના મહાનુભાવો દ્વારા બાળકોને તારા ફાઉન્ડેશનની સ્કૂલમાં બે વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો આ પ્રકારે બોલતા-ગાતા અને વાતો કરતા સક્ષમ બન્યા હોઇ તેઓને ખાસ પદવી ગણવેશ પહેરાવી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. કોચલર ઇમ્પ્લાન્ટ સર્જન ડો.નીરજ સૂરીએ જણાવ્યું હતું કે, જન્મથી જ બહેરા-મૂંગા બાળકો માટે બોલવાનું, ગીત ગાવાનું અને તેને સમજવાનું એટલે શકય બન્યું હતું કારણ કે, તારા ફાઉન્ડેશન દ્વારા તે પાછળ બે વર્ષથી વધુ સમય સુધી ભારે મહેનત કરી તેઓને સ્પીચ થેરાપી, મ્યુઝીક થેરાપી, બિહેવીયર થેરાપી અને મોન્ટેસરી સ્કૂલની સેવા આપી તૈયાર કરાયા હતા. એટલું જ નહી, આ બાળકોને સર્જરી કરી કાનમાં સંભળાય તેવા મશીન ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક બાળકોને તો સીધા બ્રેઇન સાથે કનેકટેડ મશીન્સ ઇમ્પ્લાન્ટ કરાયા હતા, તારા ફાઉન્ડેશન એક રજિસ્ટર્ડ એનજીઓ છે જે ડીફનેસ ફ્રી સોસાયટીના ઉમદા આશય અને અભિયાન પર કામ કરે છે. જેનો હેતુ સમાજમાંથી શ્રવણશક્તિના અભાવને દૂર કરવાનો છે. વાસ્તવમાં શ્રવણશક્તિની ખામી એ ભારતમાં બીજી સૌથી સામાન્ય વિકલાંગતા છે. તારા ફાઉન્ડેશન આ વિકલાંગતાને દૂર કરવા હંમેશા અગ્રેસર રહી છે. આ સંસ્થા દ્વારા ૪થી ૬ વર્ષના બાળકો જે પહેલા સાંભળી કે બોલી નહોતા શકતા તે અત્યારે સાંભળી અને બોલી શકે છે,  તે બાળકો માટે તારા ફાઉન્ડેશને ખાસ ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન કર્યું હતું. હવે ૧૭ બાળકો આપણી જેમ નોર્મલ લાઇફ જીવી શકશે અને તે બહેરા-મૂંગાની શાળામાં નહી પરંતુ નોર્મલ બાળકોની શાળામાં જઇ અભ્યાસ કરશે અને મોટા થઇ ડોકટર, એન્જીનીયર સહિતના ક્ષેત્રમાં તેમની કારકિર્દી બનાવી શકશે, જે બહુ ખુશી અને આનંદની વાત છે. તેમણે ઉમેર્યું કે, ન્યુ બોર્ન હિઅરીંગ સેન્ટર બધી જગ્યાએ શરુ થવું જોઈએ અને કોઈ બાળકો ડિફનેસ ના રહે તેવા અમારા પ્રયાસ છે. હાઉસ ઓફ મેરીગોલ્ડના સીઈઓ શિલ્પા ચોક્સીએ જણાવ્યું કે, આજે હું ખુબ ખુશ છું. આ બાળકો છેલ્લાં ૩ વર્ષથી ખુબ જ સ્ટ્રગલ કરી રહ્યા હતા અને હવે તે બાળકો સાંભળી અને બોલી શકે છે અને હવે તે નોર્મલ બાળકોની જેમ હવે તે પ્રાથમિક સ્કૂલમાં પણ એડમિશન લઈ શકશે તેનો મને ખુબ જ આનંદ છે. તારા ફાઉન્ડેશન જ્યાં સેન્ટર શરૂ કરવું શક્ય નથી ત્યાં ધ્વનિ ઓન વ્હીલ્સ દ્વારા પોતાની સેવાઓ આપે છે. એ ઉપરાંત બહેરા મૂંગા બાળકો માટેની કોઇપણ પ્રકારની ફી લીધા વિના સ્કૂલ પણ તે ચલાવે છે, જે નોંધનીય છે.

(9:28 pm IST)