ગુજરાત
News of Friday, 3rd May 2019

સુરતમાં અલગ અલગ દુકાનમાં જઈ ઓનલાઇન પેમેન્ટ કર્યું હોવાની બાતમી આપી ભેજાબાજે છેતરપિંડી આચરી હોવાનું કૌભાંડ બારે આવ્યું

સુરત: શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઇલેક્ટ્રોનીક્સ દુકાનોમાં જઈ પોતાની ઓળખ કાપડ વેપારી રોહન ખન્ના તરીકે આપી કિંમતી સામાન ખરીદી ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કર્યું હોવાનો બોગસ સ્ક્રીનશોટ બતાવી પેમેન્ટ નહીં કરી છેતરપિંડી આચરતાં જહાંગીરપુરાના ભેજાબાજ યુવાનને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રૂ.૨.૩૯ લાખની કિંમતનો ઇલેક્ટ્રોનીક્સનો સામાન કબજે કર્યો હતો. 

સાયબર ક્રાઇમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એ.એસ.આઇ પૃથ્વીરાજસિંહ અને કોન્સ્ટેબલ યોગેશભાઈ ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ જે.બી આહીર અને ટીમે આજરોજ અભિષેક ઉર્ફે રોહન ખન્ના સુરેશકુમાર નંદવાણી (ઉ.વ.૨૭, રહે.સી/૫૦૪, સૂત્રાલી એપાર્ટમેન્ટ, સુભાષ ગાર્ડન પાસે, જહાંગીરપુરા, સુરત) ને શોધી કાઢી તેની પાસેથી ત્રણ એસી, ત્રણ ટીવી, એક વોશિંગ મશીન એક ઘરઘંટી અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.૨.૩૯ લાખની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અગાઉ રેસ્ટોરન્ટ ચલાવતાં તેમજ કપડાનો હોલસેલ વેપાર કરતાં અભિષેકની પૂછપરછમાં બહાર આવ્યું કે, બંને ધંધામાં તેને નુકસાની થતાં તેણે કાપડ વેપારી રોહન ખન્ના બની સુરતના વિવિધ વિસ્તારોમાં ઈલેક્ટ્રોનીક્સ દુકાનોમાં જઈ છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું.

(5:40 pm IST)