ગુજરાત
News of Friday, 3rd May 2019

સિંગતેલના ભાવમાં છેલ્લા ૩ દિવસમાં રૂ.૩૦થી ૪૦નો વધારો

રાજકોટ: શહેરમાં સિંગતેલના ભાવમાં છેલ્લા 3 દિવસમાં રૂપિયા 30નો વધારો કરી દેવામાં આવ્યો છે. એક તરફ ખેડૂતોને મગફળીના અપૂરતા ભાવ મળી રહ્યા છે. બીજી તરફ સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ભાવમાં 15 કિલોએ 3૦થી 4૦  રૂપિયાનો વધારો થતા ભાવ આજે 1700ને પાર કરી ગયો છે.

આ વર્ષે રાજકોટમાં સામાન્ય દિવસોમાં પણ સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૩ દિવસમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30 થી 40નો વધારો જોવા મળી રહ્યો છે. સીંગ તેલની વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસમાં સીંગ તેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 40નો જંગી વધારો કરવામાં આવ્યો છે. જેથી સિંગતેલનો ભાવ 1700 રૂપિયાને પાર જોવા મળી રહ્યો છે. વેપારીનું માનીએ તો આ વર્ષે નાફેડ દ્વારા મગફળીના ભાવમાં ૩૦૦ રૂપિયા જેટલો ભાવ વધારો કરતા અચાનક સિંગતેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

શું છે મગફળી ની પરિસ્થિતિ?

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કપાસ અને મગફળીનું ઉત્પાદન થતું જોવા મળતું હોય છે. વર્ષ 2૦16-17માં સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે 32 લાખ ટન જેટલી મગફળીનું ઉત્પાદન થવા પામ્યું હતું. અને વર્ષ 2017-18માં ઓછા વરસાદના કારણે 15 લાખ ટન મગફળીનું ઉત્પાદન સામે આવી રહ્યું છે. સરકાર પાસે ગત વર્ષની જૂની ૩ લાખ ટન મગફળી જેટલો જથ્થો પડેલ છે. કુલ મળી આ વર્ષે 19 લાખ ટન મગફળી છે. એટલે કે ગત વર્ષની સરખામણી એ 50 % ઓછી મગફળી હોવાથી સિંગતેલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

હજુ પણ આગામી દિવસોમાં સીંગ તેલના ભાવમાં 20 થી ૩૦ રૂપિયાનો ભાવવધારો જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. ઉલેખ્ખનીય છે કે, હાલમાં તેલનો ઉપયોગ ઓછો હોવાથી આ ભાવવધારાની અસર વેપારીઓના વેપાર પર જોવા નથી મળતી ન હોવાનું વેપારીનું માનવું છે. દર વર્ષે તહેવાર સમયે સિંગતેલના ભાવમાં વધારો થતો જોવા મળતો હોય છે.

સીંગ તેલના ભાવમાં થયેલા વધારાની સીધી અસર માધ્યમ વર્ગના પરિવાર ઉપર જોવા મળી હતી. દિવાળી સમયે સિંગતેલ ભાવ રૂપિયા 1600ને પાર જોવા મળતો હતો જે આજે ફરી ભાવ વધારો થતા 1730 સુધી જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા મધ્યમાં વર્ગીય પરિવારને ધ્યાનમાં રાખી તેમની મુશ્કેલી હલ કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?

(4:47 pm IST)