ગુજરાત
News of Friday, 3rd May 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેમ જ તેમનું હોમટાઉન ૨૪ કલાક કાર્યરત રહેશે

રાજ્ય સરકાર દ્વારા શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં થયેલા સુધારાનો અમલ શરૂ : ૨૪ કલાક બજારો ધમધમશે:વેપારીવર્ગમાં આનંદનો માહોલ : પ્રજાજનો ખુશખુશાલ

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં રાતના સમયે પણ બજારોને ચાલુ રાખી શકાશે એવો નિર્ણય લીધો હતો જેનો અમલ રાજકોટમાં શરૂ થઈ ચૂક્યો છે. હવેથી મુખ્યમંત્રીનું હોમટાઉન પણ તેમની જેમ જ ૨૪ કલાક કાર્યરત રહેલું જોવા મળશે. જૂની જોગવાઈ મુજબ રાત્રીના ૧૨ વાગ્યા બાદ ખાણી-પીણીની કે અન્ય જરૂરી ચીજવસ્તુઓની બજારો બંધ રાખવી પડતી હતી પરંતુ રૂપાણી સરકાર દ્વારા શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં સુધારો કરાયો હતો. જેનું કારણ સ્પષ્ટ હતું કે, જો ૨૪ કલાક બજારો ધમધમે તો વેપારી અને ગ્રાહક બંનેને ફાયદો થાય. બજાર સાથે સંકળાયેલા સૌ કોઈને બમણા નફા સાથે રોજગારી મળી રહે અને લોકોને જરૂરી ચીજવસ્તુઓ ગમે તે સમયે ગમે ત્યાં મળી રહે.

   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ૨૪ કલાક બજારોને ચાલુ રાખવાના નિર્ણયથી અને તેના તાત્કાલિક અમલથી વેપારીવર્ગમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે તેમજ પ્રજાજનો ખુશખુશાલ છે કારણ કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા એરપોર્ટ પર ચોવીસ કલાક ટ્રાફિક રહેતો હોય છે. અડધી રાતે બહારગામથી આવતા લોકોને કોઈ વસ્તુની જરૂર પડે કે હોસ્પિટલમાં એડમિટ વ્યક્તિ માટે કેટલીક વસ્તુઓની આવશ્યકતા સર્જાય કે પછી અન્ય કોઈ કટોકટીની પરિસ્થિતિમાં જરૂરિયાતની વસ્તુઓ રાતનાં સમયે જોઈતી હોય તો? જો રાતનાં સમયે પણ બજારો ચાલુ રહે તો કોઈપણ સેવા-સુવિધા આસાનીથી મેળવી શકાય. ઉપરાંત ૨૪ કલાક બજારો ખુલી રહેતા મોડી રાત્રે શહેરમાં જતા-આવતા મુસાફરોને પણ નાની-મોટી ખરીદી કરવી હોય તો તેઓ કરી શકે. ૨૪ કલાક બજારો ખુલી રહેવાના ઘણા ફાયદાઓ છે, મુખ્ય ફાયદો એ કે રિટેલ માર્કેટમાં ક્રાંતિ સર્જાશે.

  આમ, ૨૪ કલાક બજારો ખુલી રહેવાનાં નિર્ણયનો અમલ થતા હવેથી બાર મહિના અને ચોવીસ કલાક સુધી બજારો ખુલી રહેશે. રાતનાં ૧૨ વાગ્યા બાદ બજારોનાં વેપારીઓને પોલીસ કે કોર્પોરેશનના અધિકારીઓ વેપાર કરતાં રોકી શકશે નહીં. આ સિવાય કોઈપણ અધિકારી રાતના સમયે ૧૨ વાગ્યા પછી બજારને બંધ કરાવી શકશે નહીં. જો કોઈ આવારા તત્વો દુકાનદારોને હેરાન કરશે તો કાયદો કાયદાનું કામ કરશે. વેપારીઓ માટે અને વેપારીઓને ત્યાં કામ કરનારાઓ માટે તથા પ્રજાજનો માટે આ એક સારા સમાચાર છે.

(1:51 pm IST)