ગુજરાત
News of Friday, 3rd May 2019

પરિણામ પછી સરકાર-સંગઠનમાં સૌરાષ્ટ્રનો દબદબો યથાવત કે ફેરફાર ?

હાલ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, બે કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના ૮ મંત્રીઓ સૌરાષ્ટ્રના છે, સંતુલન કરવા ફેરફારની શકયતા

રાજકોટ, તા. ૩ :. લોકસભાની ચૂંટણીના પરિણામ પછી ગુજરાતમાં ભાજપ સંગઠન અને સરકારમાં ધરખમ ફેરફારની આગાહી થઈ રહી છે. હાલમાં સંગઠન અને સરકારમાં સૌરાષ્ટ્રનો દબદબો છે. ૨૩ મે પછી થનારા સંભવિત ફેરફારોમાં સૌરાષ્ટ્રનો આ દબદબો યથાવત રહે છે કે ફેરફાર થાય છે ? તે બાબતે વિભિન્ન મત પ્રવર્તે છે. લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની તમામ ૭ બેઠકો ભાજપને મળેલ. ધારાસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં ધરખમ નુકશાન થયેલ. કુલ ૫૪ પૈકી સૌરાષ્ટ્ર-કચ્છની ૩૧ બેઠકો કોંગ્રેસને અને ૨૨ બેઠકો ભાજપને મળી હતી. આ વખતની લોકસભાની ચૂંટણીમાં શું થાય છે ? તે તા. ૨૩મીએ ખ્યાલ આવશે.

ગુજરાતમાં અત્યારે સંગઠન અને સરકાર સૌરાષ્ટ્ર કેન્દ્રીત ગણાય છે. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સૌરાષ્ટ્રના છે. બે કેન્દ્રીય મંત્રીઓ પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ સૌરાષ્ટ્રમાંથી છે. સૌરાષ્ટ્રના અન્ય એક અગ્રણી ચુનીભાઈ ગોહેલ રાજ્યસભાના સભ્ય છે. રૂપાણી સરકારમાં સૌરાષ્ટ્રના ૮ મંત્રીઓ છે. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત કેબીનેટ કક્ષાએ આર.સી. ફળદુ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે. રાજ્યકક્ષાએ વિભાવરીબેન દવે, પરસોતમ સોલંકી અને હકુભા જાડેજા મંત્રી પદ ધરાવે છે. કચ્છમાંથી વાસણભાઈ આહિર મંત્રી છે. કેન્દ્રીય કક્ષાએ ડો. વલ્લભભાઈ કથીરિયાને કામધેનુ આયોગનું ચેરમેન પદ અપાયુ છે. સૌરાષ્ટ્રમાંથી અડધો ડઝનથી વધુ આગેવાનો રાજ્ય સરકારના બોર્ડ નિગમમાં સ્થાન ધરાવે છે. રાજકોટમાંથી ૪ ચેરમેન છે. જેમાં ધનસુખ ભંડેરી, બી.એચ. ઘોડાસરા, નરેન્દ્રબાપુ સોલંકી અને હંસરાજભાઈ ગજેરાનો સમાવેશ થાય છે. ચૂંટણી પછીના સૌરાષ્ટ્રના રાજકીય પ્રભાવ વિશે અત્યારે અલગ અલગ વાતો સંભળાઈ રહી છે.

(12:32 pm IST)