ગુજરાત
News of Friday, 3rd May 2019

મતદાનનું પ્રમાણ વધવાનું મોટુ કારણ ચૂંટણી પંચની સરળ વ્યવસ્થા અને મતદારોની જાગૃતિ

કોઈ તરફી કે વિરોધી જુવાળ હોય તો જ ઉંચુ મતદાન થાય તે માન્યતા આખરી નહિઃ ૨૦૧૭માં ગુજરાતમાં ૬૮.૪૧ ટકા મતદાન થયેલ છતા ભાજપને માત્ર ૭ બેઠકોની બહુમતીથી સત્તા મળેલ

રાજકોટ, તા. ૩ :. ભારતમાં લોકસભાની ચૂંટણીના ૪ તબક્કા પુરા થઈ ગયા છે. હવે ૩ તબક્કા બાકી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં સરેરાશ ૬૦ ટકાથી વધુ મતદાન થયુ છે. ઉનાળાની મોસમ અને ચૂંટણી પ્રચાર વખતે મતદારોમાં નિરૂત્સાહ દેખાયેલ છતા મતદાનમાં ઉત્સાહ દેખાય છે તે માટે એકથી વધુ કારણો છે. દેશમાં ગયા વખતે લોકસભાની ચૂંટણીમાં ૬૬ ટકા મતદાન થયેલ. ગુજરાતમાં ૬૩ ટકા મતદાન થયેલ. આ વખતે ગુજરાતમાં ૬૪.૧૧ ટકા મતદાન થયુ છે. રાજકીય કાર્યકરોની મહેનત અવગણી શકાય નહિ પરંતુ મતદાનના ઉંચા પ્રમાણમાં ચૂંટણી પંચની સરળ વ્યવસ્થા અને મતદારોની જાગૃતિ મુખ્ય કારણ ગણાય છે.

ચૂંટણી પંચે મતદાન પૂર્વેના છેલ્લા દિવસો સુધી નવા મતદારોની નોંધણી માટે વ્યવસ્થા કરેલ. પાત્રતા ધરાવતા લોકો મતદાર બને અને મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો કરાયા હતા. અખબારો, ચેનલો અને સોશ્યલ મીડીયામાં સતત મતદાન માટે પ્રોત્સાહીત કરતુ વાતાવરણ જોવા મળેલ. વિવિધ ક્ષેત્રના ટોચના મહાનુભાવોએ અપીલ કરેલ અને સ્વયં મતદાન કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ. ચૂંટણી પંચે મતદારોને ઘરે ઘરે મતદારના ફોટાવાળી સ્લીપ પહોંચાડેલ. મતદાન મથકે ગયા પછી મતદાન કર્યા વગર પાછુ નહિ આવવુ પડે તેવો મતદારોમાં આત્મવિશ્વાસ વધારવામાં ચૂંટણી પંચે મહત્વની કામગીરી કરી હતી. દરેક મતદાન મથકે સજ્જડ પોલીસ બંદોબસ્ત, છાંયો, પાણી, બ્લોક લેવલ ઓફિસર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદાનના સમયમાં સવાર-સાંજ એક-એક કલાકનો વધારો કરવામાં આવ્યો હતો. વર્ષો પહેલાની ચૂંટણીઓમાં ઉમેદવારો વતી તેના કાર્યકરો વિસ્તારવાર મતદારોને મતદાન માટે ટકોર કરવા અને તેડવા જતા તેવી કોઈ વ્યવસ્થા આ વખતે નોંધપાત્ર પ્રમાણમાં દેખાયેલ નહી છતાં મતદારોએ પોતાની ફરજ સમજી સ્વયંભુ મતદાન માટે જવાનુ વલણ અપનાવી લોકશાહીની ગરીમા વધારી છે.

ચૂંટણીમાં સારૂ મતદાન થાય એટલે કોઈ પક્ષ તરફી કે વિરોધી જુવાળ હોઈ શકે તેવી માન્યતા છે પરંતુ આ માન્યતાને આખરી ગણી શકાય નહિં. વિધાનસભા ૨૦૧૭ની ગુજરાતની ચૂંટણીમાં ૬૮.૪૧ ટકા  જેટલુ મતદાન થયેલ છતા પરિણામમાં કોઈ તરફી જુવાળ દેખાયેલ નહિ. ભાજપને માત્ર ૭ બેઠકોની બહુમતીથી શાસન મળ્યુ હતું. આ વખતે પરિણામ કેવુ આવે છે ? તે જાણવા માટે ૨૩ મે સુધીની રાહ જોવી પડશે.(૨-

મતદાન વધવાના મુખ્ય કારણો

- પ્રિન્ટ, ઈલેકટ્રોનિક અને સોશ્યલ મીડિયા દ્વારા લોકોને મતદાન માટે પ્રેરતો પ્રચાર

- દુનિયાભરની માહિતી હવે આંગળીના ટેરવે હોવાથી લોકોની જાગૃતિ વધી

- પ્રથમ વખત મતદાર બનેલા યુવા વર્ગમાં પસંદગીનોે મત આપવાનું આકર્ષણ

- ચૂંટણી પંચ દ્વારા મતદાન જનજાગૃતિ માટે સતત ઝૂંબેશ

- ચૂંટણી પંચે ઘરે-ઘરે સ્લીપ પહોંચાડી મતદારોની સુવિધા અને આત્મવિશ્વાસ વધાર્યો

- મતદાન મથક પર સલામતી સહિતની મતદારોને અનુકુળ વ્યવસ્થા

- મતદાનના સમયમાં બે કલાકનો વધારો

(12:24 pm IST)